વીવીપીના વિદ્યાર્થીઓએ 17 પૈસાથી 62 કિ.મી. ચાલે તેવું મોટર સાયકલ બનાવ્યું

રાજકોટ તા.21
વિશ્ર્વભરમાં સામાન્ય નાગરિકજનો અને જનતા કોરોના મહામારી અને આર્થિક મંદીમાં સપડાઈ ગયા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળી રહયા છે. એકબાજુ પેટ્રોલ-ડીઝલનાં ભાવ પોસાતા નથી અને બીજી બાજુ ઈલેકટ્રીક વાહનો માટે પૂરતા સ્ત્રોત ઉપલબ્ધ નથી.
આ વિકટ સમસ્યાનો ઉકેલ વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજના સાતમા સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ શોધી કાઢયો છે. વી.વી.પી. મીકેનીકલના વિદ્યાર્થીઓ પંડયા રૂચિત ભદ્રેશભાઈ, માકડીયા નિર્મલ જયેશભાઈ અને ઝાલા સતીશ ભરતભાઈએ પ્રાધ્યાપક હાર્દિક ખૂંટના માર્ગદર્શન હેઠળ પેટ્રોલ અને ઈલેકટ્રીસીટી બન્નેથી ચાલતા હાઈબ્રીડ ટુ-વ્હીલર એચવાય-1ની રચના કરી છે.
પેટ્રોલ અને ઈલેકટ્રીસીટીથી ચાલતા હાઈબ્રીડ ટુ-વ્હીલર એચવાય-1 વિશે જણાવતા વી.વી.પી. ઈજનેરી કોલેજના સાતમા સેમેસ્ટરનાં વિદ્યાર્થીઓ પંડયા રૂચિત ભદ્રેશભાઈ, માંકડીયા નિર્મલ જયેશભાઈ તથા ઝાલા સતીશ ભરતભાઈએ જણાવેલ કે આ ટુ વ્હીલર બાઈક બે તકનીકીઓનું મિશ્રણ કરે છે. આંતરીક કમ્બશન એન્જિન (ઈંધણ ઊર્જા) અને વિદ્યુત ઊર્જા. એચવાય-1 એ બે પાવર સ્ત્રોતને જોડે છે. બાઈકનું પેટ્રોલ એન્જિન (જે તે બાઈકમાં હોય એ જ) તથા ઈલેકટ્રીક મોટર્સ અને બેટરી. એચવાય-1 જુના વાહનમાં ઈલેકટ્રોનિક ટેકનોલોજી નાખી બાઈકને હાયબ્રીડ બનાવી આપે છે, જે એક વખત ચાર્જ થયા બાદ 40 કી.મી. ની રેન્જ આપે છે અને જો વધુ દૂર જવાનુ થાય તો વાહન પેટ્રોલ પર પણ જઈ શકે છે. જેથી ઈવીની રેન્જની સમસ્યા દૂર થાય છે. એચવાય-1 ટેકનોલોજી એ માત્ર રૂા. ર8000માં જુના બાઈકને હાયબ્રીડ કરી શકે છે. આ કરવાથી ઈંધણનો બચાવ, ઈંઘણના રૂપિયાનો બચાવ, પ્રદૂષણનો અટકાવ અને ઈવીમાં થતી સમસ્યાઓ દૂર થાય છે. તદુપરાંત ઈવી પેટ્રોલ-ડીઝલ વાહનની મુસાફરીની રેન્જ સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ નથી. પરંતુ પેટ્રોલ-ડીઝલ વાહન ખૂબ જ પ્રદૂષણ ફેલાવે છે. તથા પેટ્રોલ-ડીઝલનો ભાવ પણ વધી રહયો છે. એક સામાન્ય માણસ વાતાવરણમાં વધતા પ્રદૂષણથી થતી બીમારીઓ, કોરોના મહામારીથી થયેલ આર્થિક મંદી તથા મોંધવારીને લીધે તે ઈવી ખરીદી કરી શકતો નથી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને કારણે તે પોતાનુ જૂનુ બાઈક ચલાવી શકતો નથી અને તે તેના માટે નકામુ થઈ જાય છે.

રિલેટેડ ન્યૂઝ