મનપાએ અધધધ રૂા. 8.06 કરોડનું બિલ ફટકારતા સૌરાષ્ટ્ર યુનિ.નો ભરવાનો નનૈયો

યુનિ. રસ્તા પાણી, વિજળી સહિતની સુવિધા કોર્પોરેશન પાસેથી લેતી નય તો વેરા બિલ કેમ ભરીએ ? : સત્તાધીશો

રાજકોટ તા. 23
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મહાનગરપાલિકા દ્વારા વેરાબિલ ફટકારતા આ બિલ ભરવા માટે સતાધિશોએ ઘસીને ના પાડી દીધી હતી. અને મનપાના અધિકારીઓ સાથે ચર્ચા કરશે તેમ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાએ બે વર્ષનું રૂ. 8.06 કરોડનું મિલકત વેરાબિલ ફટકાર્યું છે જેની સામે યુનિવર્સિટીના સત્તાધીશે જણાવ્યું છે કે, યુનિવર્સિટી ઓટોનોમસ બોડી છે. યુનિવર્સિટીએ પોતે કેમ્પસમાં રસ્તા બનાવ્યા છે, પાણીના બોર કરાવ્યા છે, વીજપોલ ઊભા કર્યા છે. એટલે રસ્તા, પાણી કે વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓ કોર્પોરેશન પાસેથી લેતા નથી એટલા માટે આ વેરાબિલ કેવી રીતે ભરીએ. આ બિલ યુનિવર્સિટી નહીં ભરે અને જરૂર પડ્યે યુનિવર્સિટીના અધિકારી મનપાના અધિકારી સાથે પણ ચર્ચા કરશે અને જરૂર પડ્યે સરકારનું પણ માર્ગદર્શન લેવાશે.
ઉપકુલપતિ ડો. વિજય દેશાણીએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ મુંજકા ગ્રામપંચાયત અને અન્ય વિસ્તાર હેઠળ આવતી હતી. બે વર્ષ પહેલા રાજકોટમાં બંને ગામ ભળવાથી યુનિવર્સિટીનો પણ તેમાં સમાવેશ થયો. કેમ્પસમાં નાના-મોટા 35થી વધુ બિલ્ડિંગ છે. આ જૂની જગ્યા યુનિવર્સિટીને મહેસૂલ વિભાગે ખરાબામાંથી આપેલી છે અને યુનિવર્સિટી ઓટોનોમસ બોડી છે.યુનિવર્સિટીના તમામ બિલ્ડિંગના પ્લાન પણ મનપામાં મોકલતા નથી, પોતાના આર્કિટેક્ટ અને બાંધકામ વિભાગ બનાવે છે. કોર્પોરેશનની કોઈપણ સુવિધાનો લાભ યુનિવર્સિટી લેતી નથી તેથી આ મોટી રકમનું બિલ શા માટે અપાયું તેની પણ ચર્ચા કરાશે અને જરૂર પડ્યે સરકારમાં પણ રજૂઆત કરી માર્ગદર્શન મગાશે.

રિલેટેડ ન્યૂઝ