જેતપુરમાં 22 લાખના વિદેશી દારૂ પ્રકરણમાં બે જમાદાર સસ્પેન્ડ

એલ.સી.બીના બે પોલીસ જવાનની બદલી

કાર વેચવા આવેલા જૂનાગઢના ધીરેનને ખોટો ફિટ કરી દીધો: બૂટલેગરનો વીડિયો વાઇરલ
22 લાખના દારૂના ગુનામાં ફરાર થઇ ગયેલા કુખ્યાત બુટલેગર અનીલ બારૈયા ઉર્ફે ડબલીએ દરોડો પાડનાર ડીવાયએસપી સાગર બાગમાર ઉપર આક્ષેપ કરતો વિડીયો વાયરલ કર્યો છે. વિડીયોમાં બુટલેગર ડબલીએ એવો આક્ષેપ કર્યો છે કે, જૂનાગઢનો ધીરેન કારિયા તેનો મિત્ર છે અને તેની મર્સીડિઝ કાર વેચવા આવ્યો હતો. દારૂ સાથે તેને કોઇ લેવા દેવા નથી. પરંતુ ડીવાયએસપી સાગર બાગમારને તેની સાથે કોઇ વાંધો હોય તો ખબર નથી પરંતુ આ ગુનામાં તેને ખોટો ફીટ કરી દેવાયો છે. બાકી દારૂ હું ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો છું એ મારા સિવાય કોઇને ખબર ન હોય! નોંધનિય છે કે બુટલેગર ડબલી જેનો બચાવ કરી રહ્યો છે એ ધીરેન કારિયા જૂનાગઢ પંથકનો મોટા ગજાનો બુટલેગર છે.

રાજકોટ તા.24
જેપતુરમાં નામચીન બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડબલીના મકાનમાં ડીવાયએસપી સાગર બાગમારએ બાતમીના આધારે કુખ્યાત બુટલેગર અનિલ બારૈયા ઉર્ફે ડબલીના મકાનમાં છાપો માર્યો હતો. મકાનમાંથી દારૂની 550 પેટી (660 બોટલ) મળી આવી હતી. દરોડા સમયે મર્સીડીઝ કારમાં ભાગી ગયેલા ડબલી સહિત ત્રણ આરોપીઓ પૈકી ડબલીના ભાઇ કિશોર ઉર્ફે ટોનીને તેમજ જૂનાગઢના નામચીન બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લીધા હતા.
નામીચન બુટલેગરના મકાનમાંથી દારૂનો મોટો જથ્થો પકડાતા સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી. જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આ પ્રકરણમાં જેતપુર પોલીસના ડી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ ભાવેશ ચાવડા અને 15 દિવસ પહેલાં જ બદલી થઇને બીટ જમાદાર તરીકે મૂકાયેલા અશોક ગોહેલને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાંચના જેતપરુના સંજય પરમાર તેમજ નારણ પાંપણીયાની અનુક્રમે હેડ ક્વાર્ટર તેમજ જેતપુર સીટીમાં બદલીનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. સસ્પેન્શન અને બદલીના હુકમમાં જવાબદાર અધિકારીઓને છાવરી નાના કર્મચારીઓનો ભોગ લેવાયાનો પોલીસબેડામાં કચવાટ શરૂ થયો છે.

રિલેટેડ ન્યૂઝ