રાજકોટ નજીક નદીમાં ડૂબી જતા તરૂણનું મોત

કાળીપાટ ગામે પશુને બહાર કાઢવા ફેકેલી લાકડી લેવા જતાં જીવ ગુમાવ્યો

રાજકોટ તા.15
રાજકોટ શહેર-જિલ્લામાં મૂશળધાર વરસાદના કારણે અનેક સ્થળોએ તારાજી સર્જાઈ હતી. જેમાં ભારે વરસાદના કારણે આવેલા ઘોડાપૂરમાં તણાઈ જવાથી જૂદા-જૂદા સ્થળે પાંચ વ્યકિતના મોત નિપજ્યાં હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છ.ે ત્યારે રાજકોટની ભાગોળે કાળીપાટ ગામ પાસે આવેલી નદીમાં પડેલા પશુને બહાર કાઢવા ફેંકેલી લાકડી લેવા જતો 14 વર્ષનો માસુમ પાણીમાં ડૂબી જતા કરૂણ મોત નિપજ્યું હતું. પૂત્રના મૃત્યુથી પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ નજીક ભાવનગર રોડ ઉપર આવેલા કાળીપાટ ગામે રહેતા ધર્મેશ ભૂપતભાઇ લુણકીયા નામનો 14 વર્ષનો તરૂણ કાળીપાટ ગામથી આગળ ભાવનગર રોડ પર આવેલી નદીમાં ડૂબી ગયો હોવાની ભરતભાઈ નામના વ્યકિતએ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે શોધખોળ બાદ રેસ્કયુ કરી તરૂણને બહાર કાઢ્યો હતો. પરંતુ, 108ના તબીબે જોઈ તપાસી તરૂણને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ ઘટના અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઈ વી.બી.સુખાનંદી અને રાઈટર કિરીટભાઈ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જરૂરી કાગળો કરી તરૂણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં મૃતક ધર્મેશ લુણકીયા બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો. ધર્મેશ લુણકીયા નદીમાં પડેલા પશુઓને બહાર કાઢવા લાકડીના ઘા કર્યા હતા જે લાકડી કાઢવા ધર્મેશ લુણકીયા પોતે નદીમાં ઉતર્યો હતો. જ્યાં ઉંડા પાણીમાં તરૂણ ગરકાવ થઈ જતાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ