રાજકોટ નજીક હિટ એન્ડ રનમાં બે શ્રમિક પિતરાઈ ભાઈઓના મોત

હિરાસર એરપોર્ટમાં જ કામ કરતા કાકાની નજર સામે ભત્રીજાઓને કાળ ભેટયો

રાજકોટ તા.15
રાજકોટ અમદાવાદ હાઈ-વે ગોઝારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટનામાં હિરાસર એરપોર્ટમાં કામ કરતાં મધ્યપ્રદેશના શ્રમિકો કોન્ટ્રાકટર પાસે પૈસા લેવા ચાલીને જઈ રહ્યા હતા. ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલી કારના ચાલકે ત્રણ યુવકોને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા પિતરાઈ બંધુઓના મોત નિપજ્યાં હતા. જ્યારે એક યુવકને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો. શ્રમિક યુવકોના મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ રાજકોટ નજીક બામણબોર પાસે નવા બનતાં હિરાસર એરપોર્ટમાં કામ કરતાં હરીશ રમેશભાઈ પાલ (ઉ.વ.25), પ્રકાશ રાયશીંગભાઈ પાલ (ઉ.વ.30) અને દેવચંદ માંગેલાલ પાલ (ઉ.વ.35) સહિત પાંચ વ્યકિત રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં હિરાસર એરપોર્ટ નજીક ચાલીને જઈ રહ્યા હતા ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા કારના ચાલકે ઉપરોકત ત્રણેય યુવકોને ઠોકરે ચડાવતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય યુવાનોને સારવાર માટે તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હરીશ પાલ અને પ્રકાશ પાલ નામના બંને પિતરાઈ ભાઈઓની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ બન્નેએ સારવારમાં દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. આ અંગે પ્રાથમિક પૂછતાછમાં અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય યુવકો મૂળ મધ્યપ્રદેશના વતની છે અને રાત્રીના સમયે કોન્ટ્રાકટર પાસે ચાલીને પૈસા લેવા ગયા હતા. જ્યાંથી પરત આવી રહ્યા હતા તે દરમિયાન કાળ બનીને ધસી આવેલી કારના ચાલકે ત્રણેય યુવકોને ઠોકરે ચડાવતાં જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી અકસ્માત સર્જી નાશી છૂટેલા કાર ચાલકને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

રિલેટેડ ન્યૂઝ