રાજકોટમાં મોદીના જન્મદિને રેકોર્ડ બે્રક, રસીકરણ થશે

PMના જન્મદિવસને લઇ ચાલતી તૈયારી
આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ હોય અને જિલ્લામાં 20 સ્થળોએ કાર્યક્રમ યોજવામાં આવશે જે અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે અને કાલના કાર્યક્રમમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે થઈને સરકારી વિભાગના વિવિધ અધિકારીઓને જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે અને તમામ કાર્યક્રમો યોગ્ય રીતે યોજાય તે રીતે કામગીરી કરવા તાકિદ કરાઈ છે.

રાજકોટ તા.16
ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આવતીકાલે જન્મદિવસ છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં 20 જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે અને 1.20 લાખ લોકોનું એક જ દિવસમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવશે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત 3200 જેટલા ગેસ કનેકશનોની કીટ વિતરણ કરાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત રાજકોટ જિલ્લામાં 20 સ્થળે કાર્યક્રમો કરી સેવાકાર્યો કરવામાં આવશે. જે પૈકી રાજકોટ શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામીનારાયણ મંદિરના મુખ્ય હોલમાં કાર્યક્રમ યોજવામાં આવશે. આવતીકાલે યોજાનાર કાર્યક્રમો અંગે રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આવતીકાલે જિલ્લામાં 1.20 લાખ લોકોનું એક જ દિવસે રસીકરણ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી વધુ રસીકરણ હશે અને જે રેકોર્ડ બ્રેક સાબિત થશેે. રસીકરણમાં ગ્રામ્ય વિસ્તારોમાં 77 હજાર લોકો અને શહેરમાં 50 હજાર જેટલા લોકોને કોરોનાની વેક્સિન અપાશે.
વધુમાં કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં 142 જેટલા ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે અને સાંજ સુધીમાં આ આંકડો 200 સુધી પહોંચી જશે. જે ગામો 100 ટકા રસીકરણમાં બાકી છે તે ગામડાઓમાં પ્રોત્સાહન મળી રહે તે માટે થઈને જે ગામડાઓમાં 100 ટકા રસીકરણ થયું છે તે ગામના સરપંચોનું સન્માન કરવામાં આવશે અને તેમને બિરદાવવામાં આવશે. જે ગામ બાકી છે તેવા ગામોમાં વહેલીતકે રસીકરણ પૂર્ણ કરવામાં આવે તે અંતર્ગત આરોગ્ય વિભાગને ઝડપી રસીકરણની કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત સરકાર દ્વારા જરૂરિયાત મંદોને ગેસ કીટ આપી અને કનેકશન આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જિલ્લામાં બાકી છે તેવા 3200 જેટલા લાભાર્થીઓને આ યોજના અંતર્ગત ગેસ કીટનું વિતરણ કરી કનેકશન આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી બાળસેવાના લાભાર્થી છે તે તમામને પ્રમાણપત્ર આપવામાં આવશે.
ઉપરોકત કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણી હાજરી આપશે. તેમજ નવા મુખ્યમંત્રી પદે આરૂઢ થયેલા ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના બોળકદેવીથી વર્ચ્યુઅલ જોડાશે.

રિલેટેડ ન્યૂઝ