15 રેસ્ટોરન્ટમાંથી વાસી ખાદ્યપદાર્થોનો નાશ

દંડ, સજા નહીં ખાલી નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ગમે ત્યારે ચેકીંગ હાથ ધરે ત્યારે વાસી અખાદ્ય જથ્થો પકડાયો ન હોય તેવો બનાવ એકપણ વખત બન્યો નથી. છતાં જનઆરોગ્ય સાથે ગંભીર ચેડા કરતાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ક્યારેય દંડ કરવામાં આવ્યો નથી. તેમજ એકપણ ધંધાર્થીને ક્યારેય ભેળસેળ માટે સજા થઈ નથી. ફકત ઓટીસ આપી ફૂડ વિભાગ કાર્યવાહી કરી રહી છે.

રાજકોટ તા.16
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આજે પણ મિઠાઈના બે ધંધાર્થીઓને ત્યાંથી મોદક લાડુના નમૂના લઈ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. તેમજ કિસાનપરા ચોકમાં એક જ લાઈનમાં આવેલ 15થી વધુ ફેમિલી રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરતાં મોટાભાગના રેસ્ટોરન્ટમાંથી વાસી ખાદ્ય પદાર્થ મળી આવ્યો હતો. આથી ડુંગળી, બટેટા, શાકભાજી, બ્રેડ સહિતના અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપરનાશ કરીને નોટીસ આપવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા આજે આકાશવાણી રોડ ઉપર બહુચરાજી નમકીન એન્ડ સ્વીટમાંથી મોદક લાડૂ તેમજ સાધુવાસવાણી રોડ ઉપર જલારામ ફરસાણમાંથી મોદક લાડૂના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલી આપ્યા હતા. તેવી જ રીતે કિસાનપરા ચોકની પાસે આલાભાઈના ભઠ્ઠાની જગ્યાએ આવેલ 15થી વધુ ફેમિલી રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરી ફૂગવાળી ડૂંગળી 32 કિલો, સડેલા બટેટા 24 કિલો, વાસી શાકભાજી 10 કિલો, વાસી બ્રેડ સહિતનો 70 કિલોથી વધુનો જથ્થો ઝડપી તેનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હતો. ફૂડ વિભાગ દ્વારા આજરોજ કિસાનપરા ચોકની બાજુમાં આલાભાઈના ભઠ્ઠાની જગ્યામાં વર્ષોથી ધમધમતાં જલારામ ચાઈનીઝ પંજાબી, પાનકાસા, સાસુજી કા ઢાબા, ઢાબા જંકશન, સદગુરૂ રેસ્ટોરન્ટ, અફલાતુન પાઉંભાજી, વિજય આમલેટ, ઓમ ફેમીલી રેસ્ટોરન્ટ, ચાઈ સુટા બાર, મઢુલી ચાઈનીઝ પંજાબી, રમેશભાઈ પાઉંભાજી વાળા, ગાયત્રી મદ્રાસ કાફે, તનીષા ફૂડ અને અફલાતૂન બેકરીમાં તપાસ હાથ ધરતાં જલારામ ચાઈનીઝ પંજાબીમાંથી 4 કિલો ફૂગવાળી ડૂંગળી, પાનકાસામાંથી વાસી બે્રડ, સદગુરૂ રેસ્ટોરન્ટમાંથી પલળેલી ડુંગળી અને સડેલા બટેટા સહિતનો જથ્થો જપ્ત કરી સ્થળ ઉપર નાશ કર્યા બાદ તમામને નોટીસ આપવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ