ગોવિંદભાઈ રહી ગયાને રૈયાણીની ગાડી દોડી ગઈ

રાજકોટ તા. 16
ગુજરાતના પ્રધાન મંડળમાં મોટી ઉથલપાથલ થતા રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પ્રાધાન મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે રાજકિય નિવૃતિના આરે ઉભેલા ગોવિંદભાઈ પટેલ વધુ એક વખત ‘ગાડી’ ચુકી ગયા છે.
ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસથી ભજવાયેલ હાઈવોલ્ટેજ રાજકિય ડ્રામા દરમ્યાન જુના તમામ પ્રધાનોને રિપીટ નહીં કરવાનો નિર્ણય ભાજપ હાઈ કમાન્ડે લેતા ભાજપના ધારાસભ્યો દ્વારા પ્રધાન બનવા માટે જોરદાર લોબીંગ શરૂ કરાયું હતું. સૌરાષ્ટ્રના રાજકિય પાટનગર રાજકોટનો સરકારમાં દબદબો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપરાંત જયેશ રાદડીયા અને કુંવરજીભાઈ બાવળીયા કેબીનેટ મંત્રી હતા. હવે નવા પ્રધાન મંડળમાં રાજકોટનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો પ્રથમ વખત જ ધારાસભ્ય બનેલા અરવિંદ રૈયાણીને મળ્યો છે. જ્યારે જુના જોગી ગોવિંદભાઈ પટેલને વધુ એક વખત પ્રધાનપદમાં સ્થાન મળ્યું નથી.
અરવિંદ રૈયાણી કોર્પોરેટરમાંથી ધારાસભ્ય બન્યા બાદ પ્રથમ ટર્મમાં જ મંત્રી બનવાનો મોકો મળ્યો છે. કદાચ ગોવિંદભાઈ પટેલ અગાઉની સરકારમાં પ્રધાન મંડળમાં હોવાથી તેમને નો-રિપીટ થિયેરી લાગુ પડી હોવાનું માનવામાં આવી છે.
ગાંધીનગરમાં પ્રધાન બનવા માટે ગોવિંદભાઈ પટેલે પ્રદેશ નેતાઓ સમક્ષ પોતાની રીતે રજૂઆતો પણ કરી હતી. પરંતુ લોબીંગ કરવાની બાબતમાં અરવિંદ રૈયાણીનું પલ્લુ ભારે રહ્યું હતું અરવિંદ રૈયાણી માટે શહેર-જિલ્લા ભાજપના એક મોટા જુથે જબરૂ લોબીંગ કરી ભાજપની નેતાગીરી ઉપર દબાણ લાવવામાં સફળતા મેળવી હોવાનું મનાય છે.
બીજી તરફ ગોવિંદભાઈ પ્રધાન મંડળના લોબીંગમાં એકલા પડી ગયા હોવાની અને શહેર કે જિલ્લા ભાજપમાંથી લોબીંગ માટે તેમને ખાસ સહકાર નહીં મળ્યાનું માનવામાં આવે છે. અરવિંદ રૈયાણી મંત્રી બનતા તેમના મત વિસ્તાર સામાકાંઠામાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. અને ભાજપના કાર્યકરો તથા રૈયાણીના ટેકેદારોએ ‘ભારત માતાકી જય’ ‘અરવિંદભાઈ તુમ આગે બઢો’ના સુત્રો પોકારી મિઠાઈ વહેંચી હતી.

રિલેટેડ ન્યૂઝ