રાજકોટમાં ખેલાયેલા ખૂનીખેલમાં મૃતકની ઓળખ મળી: હત્યારાની શોધખોળ

સીસીટીવી ફુટેજના આધારે ત્રણ શકમંદોને ઉઠાવી લેવાયા: પૂછપરછ જારી

પ્રતિનીધી દ્વારા
રાજકોટ તા.16
રંગીલુ રાજકોટ રક્ત રંજીત બન્યું હોય તેમ નજીવા પ્રશ્ર્ને સમયાંતરે ખૂની ખેલ ખેલાયાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં 150 ફુટ રીંગરોડ ઉપર ફોર્ચ્યુન હોટલ પાસે જશરાજનગરમાં ગળુ કપાયેલી હાલતમાં દોટ મૂકી આવેલો યુવક કાર સાથે અથડાયા બાદ ઢળી પડ્યો હતો. યુવકને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવ્યાની ઘટનાથી ચકચાર મચી ગયો છે. મવડી બાયપાસ નજીક સોરઠીયા પરિવારની વાડી પાસે આવેલા હિરાના સ્પેરપાર્ટસ બનાવતા કારખાનામાં રહી કામ કરતો પરપ્રાંતિય શ્રમિક યુવાન હોવાનું ખૂલતાં પોલીસે તેના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી ત્રણ શકમંદોની પૂછપરછ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, મૂળ ઉત્તરપ્રદેશના બલરામપુર જીલ્લાના મહાદેવઅત્તરપરી ગામના વતની અને છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટમાં મવડી બાયપાસ નજીક આવેલી સોરઠીયા પરિવારની વાડી પાસે અજંતા એન્ટરપ્રાઈઝ નામના હિરા જોવાના આઈગ્લાસ બનાવતા કારખાનામાં રહી મજૂરીકામ કરતો નિરમોહી રામતીરથ ચૌહાણ (ઉ.વ.25) નામનો પરપ્રાંતિય યુવક ઈજાગ્રસ્ત હાલતમાં જશરાજનગર ખોડીયાર ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં દોડી આવ્યો હતો. જે દરમિયાન ત્યાં રહેલી કાર સાથે અથડાયા બાદ યુવક લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળા અને પીએસઆઈ એન.ડી.ડામોર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં યુવકના ગળે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ હોવાનું અને હત્યારાઓથી બચવા ભાગેલા યુવકે સંતુલન ગુમાવી દેતાં કાર સાથે અથડાઈને ઢળી પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાનો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં ભારે ખળભળાટ મચી ગયો હતો. પ્રાથમિક પૂછતાછમાં ગતરાત્રે હત્યા કરાયેલી મળી આવેલી લાશની ઓળખ મેળવવા પોલીસે ભારે જહેમત બાદ જે વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો તે વિસ્તારમાં તપાસ કરતાં મૃતક યુવક મુળ યુપીનો વતની અને છેલ્લા ત્રણ મહિનાથી રાજકોટમાં રહી અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ શકમંદોએ યુવકની હત્યા કર્યાનું જાણવા મળી રહ્યું છે. તાલુકા પોલીસે પરપ્રાંતિય યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. મૃતક નિરમોહી ત્રણ ભાઈ ત્રણ બહેનમાં વચ્ચેટ હોવાનું અને હજુ ત્રણ મહિના અગાઉ જ તેના લગ્ન થયાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં નિરમોહી તેના કૌટુંબીક મામા જંગબહાદુર ચૌહાણ અને તેના બનેવીના ભાઈ રામપ્રસાદ ચૌહાણ સાથે અજંતા એન્ટરપ્રાઈઝ નામના કારખાનાના રૂમમાં સાથે રહેતો હતો. ગઈકાલે સાંજે તે રામ પ્રસાદને શાકભાજી લેવા માટે બજારમાં જવાનું કહી નિકળ્યા બાદ મોડી રાત સુધી પરત ન આવ્યો હતો અને તેનો મોબાઇલ પણ બંધ આવતો હતો. પોલીસે વિરડા વાજડીમાં રહેતા મૃતક નિરમોહીના નાનાભાઈ વિજય બહાદુરને પોલીસ સ્ટેશને બોલાવી તેની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો સામે હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ