લોધીકા નજીક કાર સાથે તણાયેલા યુવાનનો ચાર દિવસે મૃતદેહ મળ્યો

રાજકોટના ઉદ્યોગપતિ અને તેનો ડ્રાઇવર કારખાને જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઇ હતી

રાજકોટ તા. 17
લોધીકાના છાપરા નજીક ગત સોમવારે ધોધમાર વરસાદ વચ્ચે રાજકોટના ઉદ્યોગપતિ કિશન શાહની કાર પાણીના પ્રવાહમાં તણાઈ જતા ઉદ્યોગપતિ અને તેનો ડ્રાઈવર લાપતા થયા હતા ત્યારે ઉદ્યોગપતિની બીજા દિવસે કાર સાથે લાશ મળી આવી હતી જ્યારે આજે ચાર દિવસ બાદ ઉદ્યોગપતિના ડ્રાઈવર શ્યામ સાધુની લાશ તણાયાના દોઢ કિલોમીટર દુરથી મળી આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગત સોમવારે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ત્યારે રાજકોટમાં નીલસીટીમાં રહેતા પોલીકન કંપનીના માલિક ઉદ્યોગપતિ કિશનભાઈ જમનાદાસ શ્રીમાંકર (શાહ) તેના બે ડ્રાઈવર સંજય બોરીચા અને શ્યામ સાધુ સાથે સાથે સોમવારે સવારે કારખાને જવા નીકળ્યા હતા. દરમિયાન લોધીકાના છાપરા ગામે બેઠા પુલ પરથી પાણીના પ્રવાહમાં કાર તણાવા લાગી હતી જેમાં સંજય બોરીચાનો બચાવ થયો હતો. ત્યારે ઉદ્યોગપતિ કિશન શાહ અને શ્યામ સાધુ કાર સાથે લાપતા થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ, નેવી અને એનડીઆરએફની ટીમે પાણીમાં શોધખોળ કરતા 24 કલાક બાદ કાર સાથે ઉદ્યોગપતિનો મુતદેહ મળી આવ્યો હતો. જ્યારે તેનો ડ્રાઈવર લાપતા હોય શોધખોળ ચાલુ રાખી હતી દરમિયાન ચાર દિવસ બાદ આજે જ્યાથી કાર તણાઈ ત્યાથી દોઢ કિલોમીટર દુર બાવળની નીચે પાણીમાંથી ડ્રાઈવર શ્યામ સાધુનો કોહવાયેલો મૃતદેહ મળી આવતા તેને બહાર કાઢી ફોરેન્સીક પીએમમાં ખસેડાયો છે. ફાયર બ્રિગેડના વિનોદભાઈ મકવાણા, કિરીટભાઈ બોખાણી, મૌલીક ચણીયારા, વિરલ ચુડાસમાં અને અનીલ સોલંકીએ ચાર દિવસ શોધખોળ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ