રાજકોટ સહિતના યાર્ડમાં મગફળી રજીસ્ટ્રેશન શરૂ જ નથી ! ખેડૂતોને ધક્કો

ગ્રામ પંચાયતોમાં જ રજીસ્ટે્રશન ચાલુ થયું !

રાજકોટ તા.1
ગુજરાતમાં આગામી લાભપાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાની અને આ માટે આજથી ખેડુતોનું રજીસ્ટ્રેશન કરવાની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં ખરીદીના રજીસ્ટ્રેશન માટે તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતા રજીસ્ટ્રેશન માટે આવેલા ખેડૂતોને ધરમ ધક્કા થયા હતા. અને સરકારની અણઘડ વ્યવસ્થા સામે ખેડુતોએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સરકાર દ્વારા મગફળીના રજીસ્ટ્રેશન માટે આજથી ગ્રામપંચાયતોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ માર્કેઠ યાર્ડોમાં રજીસ્ટ્રેશન માટે હજુ વ્યવસ્થા કરવામાં આવી નથી. આમ છતા આ વાતથી અભણ ખેડુતો આજે રાજકોટના જુના માર્કેટયાર્ડમાં રજીસ્ટ્રેશન માટે આવતા યાર્ડમાં રજીસ્ટ્રેશનની કોઈ વ્યવસ્થા ન હોય ખેડુતોને હેરાન થવું પડ્યું હતું.
જિલ્લા પૂરવઠા અધિકારી પ્રશાંતમાંગુડાએ પુછતા તેમણે જણાવેલ કે, વાવાઝોડાના કારણે માર્કેટયાર્ડોમાં મગફળીના રજી.ની કોઈ વ્યવસ્થા હાલ ઉભી કરવામાં આવી નથી. પરંતુ ગ્રામ પંચાયતોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. અને સવારથી ગ્રામ પંચાયતોમાં મોટા પ્રમાણમાં ખેડુતો મગફળીનું રજીસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં આજે સવારે 10 વાગ્યા સુધીમાં જ 777 ખેડુતોએ મગફળીના વેંચાણ માટે રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.
જ્યારે ગીરસોમનાથ જિલ્લામાં સવારે 10 વાગ્યા સુધીમાં 4120 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. પૂરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાનું એલર્ટ પાછુ ખેંચાય એટલે તુરંત જ માર્કેઠ યાર્ડમાં પણ મગફળીના રજીસ્ટ્રેશન માટે વ્યવસ્થા કરવામાં આવનાર છે.

રિલેટેડ ન્યૂઝ