મતદાર યાદીમાં 19600થી વધુ નામ ઉમેરાયા !

ધોરાજી મતદાન મથકનું ચેકિંગ કરતા ઓબ્ઝર્વર ઉપાધ્યાય

રાજકોટ તા.22
ગુજરાત વિધાન સભાની ચુંટણી પૂર્વે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. તેમાં રાજકોટ સંસદીય મત વિસ્તારમાં ગઈકાલે થયેલા ખાસ કેમ્પમાં વધુ 19,687 મતદારોનો ઉમેરો થવા પામ્યો છે. દરમિયાન રાજકોટના ઓબ્ઝર્વર અને સચિવ નલીન ઉપાધ્યાયે ધોરાજીમાં 8 મતદાન મથકની મુલાકાત લીધી હતી. બે રવિવારની ઝૂંબેશ દરમિયાન જિલ્લામાં કુલ 39,763 મતદારોનો વધારો થવા પામ્યો છે. રાજકોટ શહેર સહિત જિલ્લામાં કુલ 10,993 નવા મતદારોનો વધારો થવા પામ્યો છે. જ્યારે 3889 મતદારોએ નામ કમી કરાવ્યા છે અને 3067 મતદારોએ નામમાં સુધારો કરાવ્યો છે. તેમજ 1738 મતદારોએ સ્થળ બદલ્યા છે. આમ, એક જ દિવસમાં 19,687 મતદારોએ મતદાર યાદીમાં સુધારા વધારા કરાવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ પૂર્વ વિસ્તારમાં 1294, પશ્ર્ચિમમાં 1513, દક્ષિણમાં 1289, રાજકોટ ગ્રામ્યમાં 2827, જસદણમાં 1156, ગોંડલમાં 829, જેતપુરમાં 1155 અને ધોરાજીમાં 930 મળી કુલ 10,993 યુવા મતદારોએ મતદાર યાદીમાં નામમાં ઉમેરો કરાવતાં આગામી ચુંટણીમાં આ યુવાનો પ્રથમ વખત મતદાન કરનાર છે.
આગામી શનિવાર-રવિવારના રોજ સળંગ બે દિવસ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ચાલુ રહેનાર છે. તેમાં વધુ મતદારોનો ઉમેરો થનાર છે. આમ, રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સંભવિત: 80 હજારથી વધુ મતદારોના નામમાં ઉમેરો થવાની સક્યતા છે. અત્યાર સુધીમાં રાજકોટ પૂર્વમાં 4,146, પશ્ર્ચિમમાં 5,422, દક્ષિણમાં 4290, રાજકોટ ગ્રામ્યમાં 8756, જસદણમાં 3735, ગોંડલમાં 4097, જેતપુરમાં 5106, ધોરાજીમાં 4211 સહિત 39,763 મતદારો નવા ઉમેરાયા હોવાનું ચુંટણી શાખાના સૂત્રોએ જણાવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ