વેરાવળ પાસે કારમાંથી 33640ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

એક બુટલેગર ઝડપાયો, અન્ય નાશી છૂટયા

વેરાવળ તા.23
વેરાવળ નજીક હીરણ નદીના પુલ પાસેથી એલ.સી.બી. બ્રાન્ચે વિદેશી ઇંગ્લિશ દારૂની જુદી-જુદી બ્રાન્ડની 83 બોટલો કિં.રૂા.33,640 ના જથ્થા સાથે મોટર કાર અને એક બુટલેગરને ઝડપી લીધેલ છે જયારે બીજાને ઝડપવા ચક્રો ગતિમાન કરેલ છે.
ગીર સોમનાથ જીલ્લામાં દારૂના બૂટલેગરો બેફામ બન્યા હોય અને બાતમી આધારે પોલીસ દારૂ ઝડપી આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરે છે પરંતુ બૂટલેગરોને જાણે પોલીસનો ડર રહ્યો જ ન હોય એમ ધોળા દિવસે પણ દારૂની હેરાફેરી કરે છે. ત્યારે વધુ એક નવી જ ટેક્નિક સાથે દારૂ લઈ જતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં જિલ્લાના ઉના વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો મોટર કારમાં બનાવેલા ચોરખાનામાં છુપાવીને પોરબંદર તરફ લઈ જતો હતો. આ બૂટલેગરને મોટર કાર અને દારૂના જથ્થા સાથે ગીર સોમનાથ એલ.સી.બી. ની ટીમે વેરાવળ નજીક હિરણ નદીના પુલ પાસેથી બાતમીના આધારે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ઉના તાલુકાના કોબ ગામે રહેતા બૂટલેગર પાસેથી ભરેલો હોવાનું પૂછપરછમાં જાણવા મળતાં પોલીસે બંને બૂટલેગરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર સંઘ પ્રદેશ દીવને જોડતી હોવાથી સંઘ પ્રદેશમાંથી દારૂ ઘુસાડવા માટે બૂટલેગરો કાયમી સક્રિય રહી અવનવા કીમિયા અપનાવતા હોય છે ત્યારે વધુ એક નવા કીમિયાનો પર્દાફાશ એલ.સી.બી. એ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ઉના તરફથી એક મોટર કારમાં દારૂની હેરફેર થઈ રહી છે અને મોટર કાર વેરાવળ હાઈવે ઉપરથી પસાર થવાની હોવાની ચોક્કસ બાતમી એલ.સી.બી. ના નટુભા બસિયા, લાલજી બાંભણિયા, પ્રવીણ મોરી સહીતનાને મળી હતી જેના આધારે વેરાવળ હાઈવે પર પોલીસ સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમ્યાન હાઈવે પર હિરણ નદીના પુલ પરથી ફોર-વ્હીલ કાર પસાર થતાં એને રોકાવી હતી. બાદમાં મોટર કારની તલાસી લેતાં પ્રથમ દૃષ્ટીએ દારૂ મળ્યો નહીં પરંતુ બાતમી હોવાથી એલ.સી.બી. ના સ્ટાફે ઝીણવટભરી તપાસ કરતાં મોટર કારમાં પાછળની સીટમાં વચ્ચે હાથ રાખવાની અપડાઉન થતી હેન્ડ સીટની પાછળના ભાગે ચોરખાનું નજરે પડ્યું હતું તે ખોલીને તપાસ કરતાં એમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળ્યો હતો. તેને બહાર કાઢી ગણતરી કરતાં વિદેશી ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ 83 બોટલો કિં. રૂા.33,640 નો જથ્થો મળી આવેલ હતો.
આ મોટર કારના ચાલક પોરબંદર ની જુરી શેરીમાં રહેતો વિવેક દેવજી જુંગી ની પોલીસે પૂછપરછ કરતાં દારૂનો જથ્થો ઉનાના કોબ ગામે રહેતો યાજ્ઞિક ભીમા બાંભણિયા પાસેથી ભરીને પોરબંદર લઈ જતો હોવાનું જાણવા મળતાં તેની અટકાયત કરી હોવાનું એલસીબી પીઆઈ એ.એસ. ચાવડા એ જણાવેલ અને પોલીસે પોરબંદરના વિવેક જુંગી અને ઉનાના યાજ્ઞિક બાંભણિયા સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ