પ્રભાસ પાટણ તા.13
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લાના બાદલપરામા લોકસેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ અને બારડ પરિવાર દ્વારા નિર્મિત લોકસેવાના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે ગિર સોમનાથનું બાદલપરા આજે ગુજરાતને તેની સુવિધાઓ અને સગવડો અને સામૂહિક વિકાસના સહિયારા પ્રયાસ તથા સમરસતાને લીધે ગુજરાતને નવી દિશા આપી રહ્યું છે .
અમારી સરકાર વિકાસની રાજનીતિમાં માને છે તેમ કહીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ગમે તે પક્ષ હોય પણ જો સહિયારા પ્રયાસથી પ્રજાનું કલ્યાણ થતું હોય તેને અમે આવકારીએ છીએ. સૌનો સાથ અને સૌનો વિકાસ તેમજ સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહિત કરવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ગુજરાતમાં એક નવી દિશા ચીંધી હતી અને આપણે એ માર્ગે આગળ વધી રહ્યા છીએ.
ગીર સોમનાથનું બાદલપરા વર્ષોથી સંપૂર્ણ સ્વચ્છ અને આદર્શ ગામ છે. ગામમાં લોકોના સહિયારા પ્રયાસથી હરિયાળી છે .પાણીનું જતન થઈ રહ્યું છે. અને ગ્રામ પંચાયતમાં બહેનો બેઠી છે. મહિલાઓનું મેનેજમેન્ટ પાવરફુલ હોય છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ બાદલપરામાં જોવા મળતી સુવિધાઓ અને સગવડો અંગે ગ્રામ પંચાયતની બહેનોની ટીમ અને બારડ પરિવારને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ બાદલપરા જેવા ગુજરાતના આદર્શ અને મોડેલ ગામોને એક મંચ પર લાવી અન્ય ગામોના હોદ્દેદારો અને લોકો આવા આદર્શ ગામોની મુલાકાત લે અને દરેક ગામોમાં આવી સુવિધા ઊભી થાય તે માટે સહિયારા પ્રયાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. મહાત્મા ગાંધીની ગ્રામોત્થાનની વિચારધારાને અને સરદાર વલ્લભભાઈ પટેલની ગામડા પ્રત્યેની આગવી વિચારધારાને સાકાર કરવી છે તેમ પણ જણાવ્યું હતું. શહેરોના લોકોને પણ ગામડામાં રહેવાની ઈચ્છા થાય અને લોકો ગામડા તરફ પણ વળે તેમજ શહેરીકરણ પર ભાર ઘટે તે માટે આપણે લોકભાગીદારીથી સહિયારા પ્રયાસ કરી રહ્યા છે. અને તે દિશામાં આપણને ચોક્કસ સફળતા મળશે તેવો આશાવાદ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીએ વડાપ્રધાનના ફીટ ઇન્ડિયા અભિયાન અને લોકો તંદુરસ્ત જીવનશૈલી અપનાવી લોકો બીમાર જ ન પડે તે માટે વેલનેસ અને હેલ્થ સેન્ટર આજની જરૂરિયાત હોવાનુ જણાવ્યું હતું. સૌરાષ્ટ્રના ખેડૂતોમાં અનેરી તાકાત છે તેમ જણાવી તેને પાણી મળે તો દુનિયાની ભૂખ ભાંગી નાખે તેમ કહીને મુખ્યમંત્રીશ્રીએ હવે આગામી સમયમાં નર્મદાના પાણીથી 115 ડેમ છલકાવી દેવાશે અને આપણે ત્યાં પાણીનો દુકાળ ભૂતકાળ બનશે તેમ પણ કહ્યું હતું. ગીરની હિરણ નદી ના 11 કિમી વિસ્તારમાં થી પાણીનો કાપ દૂર કરવાનો પ્રોજેક્ટ મંજૂર કરી દેવામાં આવ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તેમાં સરકારને એક પણ પૈસાનો ખર્ચ થવાનો નથી અને કંપનીઓના સહકારથી આ કાર્ય આગામી ઉનાળામાં શરૂ થવાનું છે. આ પ્રોજેક્ટ સફળ થશે તો સમગ્ર ગુજરાતમાં આ રીતે નદીઓને ઉંડી ઉતારવાનું આપણું આયોજન છે.
મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્રના આહિર સમાજના ત્રણ લોક સેવક ધાનાભાઇ માંડાભાઇ બારડ, હેમંતભાઈ માડમ અને પેથલજીભાઈ ચાવડાના લોકસેવાના યોગદાનને યાદ કરી તેના વારસદારો આ લોકસેવાને આગળ ધપાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે ધાનાભાઇએ સામી છાતીએ ગોળીઓ ઝીલીને પ્રજા માટે જીવન સમર્પિત કરી દીધું હતું . તેઓએ જશુભાઇ બારડને પણ યાદ કરીને હાલ ભગવાનભાઇ બારડ પણ આ સેવા કરી રહ્યા છે તેમ જણાવ્યું હતું .
મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટના સાયકલોન સેન્ટરનું ડિઝિટલ તકતીથી ખાત મુહુર્ત કર્યું હતું. આ ઉપરાંત શહિદ ધાનાભાઈ માંડાભાઈ બારડ મેમોરિયલ સેન્ટર, જશુભાઈ બારડ આદર્શગ્રામ બાદલપરા પ્રવેશદ્રાર, રાહુલ રામભાઈ બારડ, આદર્શ ગામ સમાજવાડી,સાર્વજનિક વાંચનાલય અને બાળ ક્રિડાંગણનું લોકાર્પણ કરી આ તમામ પ્રકલ્પોની સુવિધાનું મુલાકાત લઈ નિરિક્ષણ કર્યું હતું. હેલ્થ અને વેલનેશ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહરભાઈ ચાવડાએ કહ્યું કે, બાદલપરા ગામ મહિલા સશક્તિકરણનું આદર્શ ઉદાહરણ છે. વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીએ કહ્યું કે, વટવૃક્ષ જેવા આ ગામનો છાયો બધાને મળે તે આશા વ્યક્ત કરી શહેરનો નાગરિક અહિયા રહેવા માટે પ્રેરાય તેવું આ ગામ છે. તેમ કહ્યું હતું. ધારાસભ્યશ્રી પુંજાભાઈ વંશ, પુર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને ભાગવત્તાચાર્ય મહાદેવપ્રસાદ મહેતાએ પ્રાસંગિક વકત્વ આપ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં તાલાળાના ધારાસભ્ય અને બાદલપરાના વતની ભગવાનભાઈ બારડે મુખ્યમંત્રીનું સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેઓએ બાદલપરામાં ઉપલબ્ધ સુવિધાની મુખ્યમંત્રીને જાણકારી આપી સરકારના સાયકલોન સેન્ટર માટે બે વિધા જમીનના ભુમિદાનનો પત્ર મુખ્યમંત્રીને અર્પણ કર્યો હતો. તેઓએ સૌ મહેમાનોને પણ આવકાર્યા હતા.
બાદલપરાના કાર્યક્રમ પુર્ણ થયા બાદ મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવના દર્શન-પુજા, અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. આ વેળાએ પ્રવાસન અને મત્સ્યોધોગ મંત્રી જવાહરભાઈ ચાવડા પણ સહભાગી થયા હતા.
બાદલપરાના પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઈ ચુડાસમા અને પુનમબેન માડમ, રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન જાલોધંરા, ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, અમરીશભાઈ ડેર, ભીખાભાઈ જોશી, હર્ષદભાઈ રીબડીયા, બાબુભાઈ વાજા,નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, ઝવેરીભાઈ ઠકરાર, પુર્વ ધારસભ્ય ગોવિંદભાઈ પરમાર, ધીરસિંહભાઈ બારડ,ડીઆઈજી મનિન્દરસિંહ પવાર, કલેકટર અજયપ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર તેમજ ગીર સોમનાથ જિલ્લાની ખાનગી કંપનીના પ્રતિનિધીઓ અને વિવિધ સંસ્થાઓના અને સંગઠનના અગ્રણીઓ, પુર્વ મંત્રીઓ, પુર્વ ધારાસભ્યશ્રીઓ, સરપંચો, મહિલાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
