કોડીનાર,તા.21
કોડીનાર પંથકના 40 ખેડૂતોનો માલ ખરીદી તે પેટે છક્કા બેંકના ચેક આપી યાર્ડની પેઢીનો વેપારી નાશી છુટતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળે છે. આ મામલે ખેડૂતોએ પોલીસમાં ફરીયાદ દાખલ કરતા પોલીસે શખસની શોધખોળ શરૂ કરી છે.
કોડીનાર માર્કેટીંગ યાર્ડનો વેપારી ખેડૂતોના લાખો રૂપીયા લઇને ઉડનછુ થતા ખેડુતોને પૈડા ઉપર પાટુ જેવો હાલ થયો છે. ખેડૂતોને પહેલા વરસાદે બેહાલ કર્યા બાદ ઉંચા ભાવે વેચવા મગફળી વેચવા ગયા તો ઠગ વેપારી ખેડૂતોને ચેક આપી પરબારો ભાગી જતા કોડીનાર તાલુકાના ખેડૂતોની હાલત અતિ દયનીય બનવા પામી છે.
આ અંગેની વિગત મુજબ કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં એફ.એમ. એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા વેપારી મોહસીન અસરફભાઇ કચ્છી ઘણા સમયથી વેપાર કરતો હતો હાલ સરખડી ગામે શરૂઆતમાં ખેડૂતોનો માલ લઇ માલના પૈસા ચુકવી દીધા બાદ ખેડૂતોનો વિશ્ર્વાસ કેળવી 40 જેટલા ખેડૂતોનો માલ ખરીદી કરી ખેડૂતોને બિલ પેટે ચેક આપ્યા હતા.
જેબધા ચેકો પરત થતાં ખેડૂતો કોડીનાર માર્કેટીંગ યાર્ડમાં ઠગ વેપારીની દુકાને આવતા દુકાને અલીગઢી તાળું જોઇ તપાસ કરતા આ મોહસીન કેટલાક દિવસથી દુકાન બંધ કરી નાસી ગયો હોવાનું જાણવા મળ્યુ છે.
જેથી સરખડી, ધામલેજ અને દુધાળાના ખેડૂતો સામુહીક પોલીસ ફરીયાદ કરવા કોડીનાર પોલીસ સ્ટેશનમાં દોડી જતા પોલીસે યાદી તૈયાર કરી આપવા જણાવતા 40 જેટલા ખેડૂતોએ તેમના નામ અને રકમ સાથેની યાદી તૈયાર પોલીસ ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
