સોમનાથ જિલ્લાના અધિકારીઓ સાથે કુપોષણ મુકત ગુજરાત માટે વિડીયો કોન્ફરન્સ

વેરાવળ તા.27
કુપોષણ મુક્ત ગુજરાત બનાવવા માટે રાજ્યભરમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાયેલ હતી. આ વિડિયો કોન્ફરન્સમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને ગુજરાતમાં જિલ્લા કક્ષાએ આગામી સમયમાં પોષણ અભિયાન અંગે કરવાની થતી સર્વ ગ્રાહી અંગે માર્ગદર્શન આપેલ હતું.
ગુજરાત રાજ્યને કુપોષણ મુક્ત રાજ્ય બનાવવા માટે પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ગીર સોમનાથ જિલ્લામાં દરેક આંગણવાડીના એક કુપોષિત બાળકને અધિકારી કે પદાધિકારી દત્તક લેવા માટે અનુરોધ જિલ્લાના અધિકારીએ કર્યો હતો. જિલ્લા સેવાસદન ઇણાજ ખાતે યોજાયેલ આ વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે જણાવેલ કે, ગીર સોમનાથ જિલ્લામા પોષણ અભિયાન અંતર્ગત તા.28 ના કિશોરી દિવસ અને તા.29 ના રોજ લોકજાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ તકે અધિક કલેકટર જે.એસ.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રજાપતિ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ સહભાગી થયા હતા.
જિલ્લાકક્ષાનો મહિલા રોજગાર ભરતી મેળો યોજાશે
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, નિયામક રોજગાર અને તાલીમ, ગુજરાત રાજય, ગાંધીનગર સંચાલિત, જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા જિલ્લાના મહિલા રોજગાર વાચ્છું માટે જિલ્લા કક્ષાના ખાનગી ઓધોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરનું તા.30 ના રોજ બપોરે બાર કલાકે, ગવર્મેટ સાયન્સ કોલેજ, રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ ખાતે આયોજન કરવામાં આવેલ છે.
આ ભરતી મેળામાં સ્થાનિક અને અન્ય ખાનગી કંપનીઓ ભાગ લેવાની છે જે અંતર્ગત ધો.10 થી ગ્રેજ્યુએટ, 18 થી 35 વર્ષની ઉમર ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકનાર હોવાનું જીલ્લા રોજગાર અધિકારી ધોળકિયાની યાદીમાં જણાવેલ છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેબ્લોની પ્રથમ સ્થાને પસંદગી
પ્રજાસતાક દિનની જીલ્લા કક્ષાની ઉજવણી ગીર-સોમનાથ જીલ્લાના ગીર ગઢડા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પંચસ્તંભ યોજનાનો ટેબ્લો પ્રદર્શિત કરવામાં આવતા તેની પ્રથમ સ્થાને પસંદગી થતા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું.
ગીર-સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત જીલ્લામાં 26 મી જાન્યુઆરી 2020 ના 71 માં પ્રજાસતાક દિન નિમિતે ગ્રામીણ સ્વ સહાય જૂથોની બહેનોને બેંકો સાથેની વિવિધ ડિજીટલ સેવાઓ સાથે જોડી સરકારના અભિગમને સાર્થક કરવા જે ગ્રામ પંચાયતોમાં બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ નથી તેવી ગ્રામ પંચાયતોમાં સ્વ સહાય જૂથોની બહેનોને બીસી સખી તરીકે નિમણુક આપી બાયો મેટ્રિક મશીન મારફત બેંકિંગ સુવિધા ઉપલબ્ધ કરવાનાં હેતુથી બીસી સખીઓને આઠ બાયોમેટ્રિક મશીનો, ગ્રામીણ મહિલાઓને આર્થીક રીતે પગભર કરવાના તથા તેઓની આજીવિકામાં વધારો કરવાના હેતુથી બેંકો મારફત અંકે અડતાલીસ લાખ પુરા બેક ધિરાણ તથા પાંચ લાખ ત્રીસ હજાર પુરા કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ