તાલાલામાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થતા હંગામો: લાશ સ્વીકારવા ઇન્કાર

તાલાલા (ગીર),તા.31
તાલાલા ગીરની સરકારી હોસ્પીટલમાં કુટુંબ નિયોજનના ઓપરેશન દરમ્યાન એક મહીલાની તબીયત બગડતા તાકીદની સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મેડીકલ સ્ટાફ સાથે વેરાવળ હોસ્પીટલમાં રીફર કરેલ. જયાં સારવાર દરમ્યાન મહીલાનું મૃત્યુ થતા આરોગ્ય સ્ટાફ પરિવાર ચિંતામય બની ગયો હતો.
આ અંગેની વિગત એવી છે કે તાલાલા સરકારી હોસ્પીટલમાં નક્કી કરેલ સમય પ્રમાણે આજે શુક્રવારે કુટુંબ નિયોજનના લેપ્રોસ્કોપીક ઓપરેશનનો કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 13 મહીલાએ ભાગ લીધો હતો. ઓપરેશન માટે જુનાગઢ સિવીલ હોસ્પીટલમાંથી આવેલ રીટાયર્ડ અધિક્ષક ડો.આર.ટી. વાઝાએ 13 પૈકી 12 ઓપરેશન કર્યા બાદ છેલ્લા મહીલા હંસાબેન ભરતભાઇ વાળા ઉ.વ.27ને ઓપરેશન માટે બોલાવેલ મહીલા ટેબલ ઉપર સુતા હતા. આ દરમ્યાન તેમની તબીયત બગડતા ડો.આર.ટી. વાઝા તથા તાલાલા સિવીલ હોસ્પીટલના તબીબ ડો.આશીષ માંકડીયાએ તાકીદની સારવાર આપી પરંતુ મહીલાની સ્થિતીમાં સુધારો થયેલ નહી. જેથી હોસ્પીટલનાં મહીલા મેડીકલ સ્ટાફ સાથે તુરંત વધુ સારવાર માટે વેરાવાર રીફર કરેલ. આ દરમ્યાન વેરાવળ હોસ્પીટલનાં તબીબોને આ કેસની સંપુર્ણ વિગત આપી વેરાવળ હોસ્પીટલ ઉપર જરૂરી સ્ટાફને સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલ હોય વેરાવળ પહોંચતા મહીલાની જરૂરી સારવાર શરૂ થયેલ. સારવાર દરમ્યાન મહીલાનું મરણ થયું હતુ. મહીલાનું મરણ થયા બાદ ઓપરેશન દરમ્યાન તબીબોની બેદરકારીને કારણે મારી પત્નીનું મરણ થયાનું મહીલાના પતિએ આક્ષેપ કરી મહીલાની બોડી સંભાળવાની ના પાડતા હોસ્પીટલ ઉપર હોબાળો મચી ગયો હતો.
આ દરમ્યાન સામાજીક અગ્રણીઓ અને પોલીસે દરમ્યાનગીરી કરી હતી. મહીલાના મૃત્યુનું સત્ય કારણ બહાર લાાવવા જામનગર ખાતે પેનલ તબીબો દ્વારા પીએમ કરાવવું અને પીએમ રીપોર્ટમાં જે વિગત બહાર આવે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવા ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો અને બોડીને જામનગર પીએેમ માટે મોકલી આપવામાં આવ્યો હતો. મરણ પામેલા મહીલા તાલાલા પંથકના છેવાડાના ગુંદાળા ગીર ગામના રહીશ છે અને તેમને સંતાનમાં એક ત્રણ વર્ષ અને એક 1ાા માસના બે પુત્રો છે. મહીલાના મૃત્યુના સમાચારથી આરોગ્ય સ્ટાફ પરિવાર પણ ચિંતામય બની ગયો છે.
મહીલાનું ઓપરેશન થયું નથી : મેડીકલ સ્ટાફ
તાલાલા હોસ્પીટલમાં કુટુંબ નિયોજનના લેપ્રોસ્કોપીક કેમ્પ દર શુક્રવારે થાય છે. દર મહીને અંદાજે 100 થી પણ વધુ ઓપરેશન કરવામાં આવે છે. લાંબા સમયથી ઓપરેશન માટે જુનાગઢથી આવતા સર્જન પણ બહોળો અનુભવ ધરાવે છે. મરણ પામેલ મહીલાનું હજી ઓપરેશન થયું નથી ગમે તે થયું પણ ઓપરેશન ટેલબ ઉપર આવતા મહીલાની તબીયત બગડતા જરૂરી તાકીદની તમામ સારવાર આપી વધુ સારવાર માટે મહીલા સ્ટાફ સાથે વેરાવળ રીફર કરેલ ત્યાં પણ તાકીદની સારવાર આપવામાં આવેલ હતી ત્યારબાદ મહીલાનું મરણ થયું હતું.
તાલાલ હોસ્પીટલમાં દર શુક્રવારે નિયમીત કેમ્પ થાય છે. આરોગ્ય સ્ટાફ દ્વારા મહીલાને તકલીફ પડે નહી માટે સંપુર્ણ વ્યવસ્થા સાથે કાળજી રાખવામાં આવે છે. ફોરેન્સીક લેબોરેટરીના રીપોર્ટ આવશે તેમાં સત્ય કારણ બહાર આવી જશે તેમ હોસ્પીટલના તબીબોએ જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ