તાલાલા (ગીર): તા.1
તાલાલા તાલુકાના છેવાડાના ગરીબ અને પછાત વિસ્તારમાં આવેલ જાવંત્રી ગીર-લીમધ્રા ગીર-પાણી કોઠા અને અમરવેલ નેસની સંયુકત બનેલ જાવંત્રી ગીર ગ્રામ પંચાયતના સરપંચ ગામની પ્રજાને પીવા માટે આપવાનું પાણી પોતાના ખેતરમાં પીયતના ઉપયોગ માટે વાપરતા હોય, તેની તુરંત તપાસ કરી ગામની પ્રજાનું પીવાનું પાણી નિયમીત પ્રજાને મળે માટે તુરંત પરિણામલક્ષી કાર્યવાહી કરી ગામની પ્રજાને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે ગામના જાગૃત લોકોએ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરીયાદ કરતા તાલાલા પંથકમાં ભારે ચકચાર ફેલાયેલ છે.
જાવંત્રી ગીર ગામના જીણાભાઈ પરમારની રાહબરી હેઠળ ગામના 37 પુરૂષ, 35 મહિલા સહિત 72 જાગૃત લોકોએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તથા તાલાલા તાલુકા વિકાસ અધિકારીને આપેલ લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે ગામમાં વારંવાર પીવાના પાણીની સટલાઈ બંધ થતા ગ્રામજનો એ સરપંચને રજુઆત કરતા સરપંચે જણાવ્યું કે ગામ તળની પીવાના પાણીની લાઈન તુટી ગયેલ છે. જેની મરામત થયે ગામમાં પીવાનું પાણી આવશે સરપંચે કરેલ વાત ગ્રામજનોને ગળે ઉતરી નહી, જેથી ગ્રામજનો એ તપાસ કરતા સરપંચે ભાડે રાખેલ ખેતીની જમીનની બાજુમાંથી ગામની પીવાના પાણીની પાઈપ લાઈન નીકળે છે. તે પાઈપ લાઈનમાં સરપંચે વાલ મુકી ગામમાં જતુ પાણી બંધ કરી સરપંચ ખેતરના પીયત માટે પાણી લઈ જતા હતા. ગ્રામજનો એ જાત તપાસ દરમ્યાન પીવાના પાણીનો અંગત હેતુ માટે સરપંચ ઉપયોગ કરતા હતા. તેનો વિડીયો ઉતારી વિડીયો વાપરલ કર્યો હતો. ત્યાર બાદ ગામના 72 જાગૃત નાગરીકોની સહિઓ સાથે પીવાનું પાણી આપવાનું બંધ થતા ગામની મહિલાઓને પીવાના પાણી માટે દુર દુર વાડીઓમાં જવું પડતું હોય, ગામની બહેનો-દિકરીઓને પડતી મુશ્કેલી દુર કરી યોગ્ય ન્યાય આપવા તથા સરપંચ દ્વારા થતો હોદાનો દુર ઉપયોગની તપાસ કરવા સતાવાળાને લેખિત ફરીયાદ કરી છે.
ગ્રામજનોના પીવાના પાણીની સરપંચ સર્જીત સમસ્યાનો વિના વિલંબે નિવારણ લાવવા તથા તટસ્થ તપાસ કરી સરપંચ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે નહીં તો ગ્રામજનો લોક લડત કરી ન્યાય માંગવા ફરજ પડશે. તેવી ચીમકી પણ ફરીયાદના અંતમાં ગામના જાગૃત નાગરીકો દ્વારા આપવામાં આવી છે.
તાલાલા તાલુકા વિકાસ અધિકારીની
આળશથી પ્રજા પીવાના પાણીથી વંચીત
જાવંત્રી ગીર ગામની પ્રજાના પીવાનું પાણી બાબતે ગામના અગ્રણી બાલુભાઈએ તાલાલા તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરીયાદ અને મૌખીક જાણ કરી હતી. પરંતુ તપાસ કરવા અધિકારીએ આળશ રાખતા ગામની પ્રજા પીવાના પાણીથી વંચીત રહી હોય, તેવા આક્ષેપો પણ ગીર સોમનાથ જિલ્લા કલેકટર સમક્ષ કરેલ ફરીયાદમાં ગ્રામજનોએ કર્યા હોય, સ્થાનિક સતાવાળા સામે પણ ગ્રામજનોમાં ભારે રોષ પ્રવર્તિ રહયો છે.
