હું સગીરા છુ, મને પરણવાની ઇચ્છા નથી પણ પરિવારે લગ્ન નકકી કરી કંકોતરી પણ છપાવી છે

વેરાવળ તા. -07
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હંમેશા કહે છે કે, ગુજરાતની મહિલાઓ- દીકરીઓ ની ચિંતા અને મૂંઝવણ એ અમારી ચિંતા છે. પ્રજાના સુખે સુખી અને પ્રજાના દુ:ખે દુ:ખી એ અમારી સરકારનો મંત્ર છે. સંવેદનશીલ સરકારના સંવેદનશીલ તંત્રની મહિલાઓને મદદ કરવાની કામગીરીની આ વાત અને મંત્રને ચરિતાર્થ કરાવતો એક કિસ્સો આજે ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યો હતો.
વાત જાણે એમ છે કે, ગીર-સોમનાથ જિલ્લાની એક 17 વર્ષની દીકરી છેલ્લા કેટલાક દિવસોથી ચિંતા અને મૂંઝવણમાં હતી. આ સગીરાને લગ્ન કરવા ન હતા અને તેના પરિવારજનો તેના લગ્ન કરી નાખવા ઇચ્છતા હતા. સગીરાનું કંઈ ચાલ્યું નહીં .અંતે એ જ થયું જે સગીરા ઇચ્છતી ન હતી. પરિવારજનોએ લગ્ન નક્કી કરી નાખ્યા. કંકોત્રી પણ લખાઈ ગઈ. 11મી ફેબ્રુઆરીએ તેમના લગ્ન હતા. ચિંતાતુર સગીરાને શું કરવું એ કંઈ સૂઝતું ન હતું અને અંતે તેને પોતાને વિચાર આવ્યો કે ગુજરાત સરકારની 181 મહિલા અભયમ ની ટીમ તેમને મદદ કરશે.
આ યુવતી રડતા રડતા 181 ફોન કરે છે કે,’ મારે હજુ લગ્ન કરવા નથી અને મારા પરિવારજનો મારા લગ્ન કરવા માંગે છે.
કંકોત્રી પણ લખાઈ ગઈ છે અને 11મી એ તમે આવજો અને મારા લગ્ન અટકાવી મને મદદ કરજો.’
રાજ્ય સરકારનો એ પણ મંત્ર છે કે, કાલનું કામ આજે કરવું છે અને આજનું કામ અત્યારે કરવું છે. ગીર સોમનાથની 181 ની ટીમના સભ્ય સંતોકબેન અને તેજલ બેને સગીરાને ચિંતા મુક્ત થવાનુ કહીને અમે અત્યારે જ આવીએ છીએ તેમ કહીને તેઓ 45 મિનિટમાં સગીરાના ઘરે પહોંચી ગયા. ઘરે પરિવારજનો ન સમજતા અંતે પોલીસની મદદથી આ બાળ લગ્ન અટકાવી પરીવારજનો અને સૌ કોઈ વચ્ચે સમાધાન કરીને સુમેળ ભર્યા વાતાવરણમાં 181 ની મહિલા અભયમ તેમની ટીમ એકાદ કલાકના કાઉન્સિલિંગ બાદ પરત ફરી ત્યારે આ સગીરાના ચહેરા પર સ્મિત હતું. પરિવારજનો કે સગા સંબંધી જે મદદ ન કરી શક્યા તે મદદ 181 ટીમે કરતા તેણીએ આ ટીમનો આભાર માન્યો હતો.
:

રિલેટેડ ન્યૂઝ