ભરબપોરે ફાયરીંગ કરી ચાર શખ્સો નાસી ગયા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
વેરાવળમાં આજે બપોરે સરાજાહેર ફાયરિંગ કરી તુરક સમાજના પ્રમુખની હત્યા કરી દેવાતા સનસનાટી મચી ગઈ છે. આ હત્યાના મામલે ફારૂક મૌલાના, તેના પુત્ર, ડ્રાઇવર સહિત ચાર શખ્સો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતોનુસાર આજે બપોરે એકાદ વાગ્યે વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આઈડી ચૌહાણ સ્કૂલની આગળ રસ્તા પર મોપેડ સ્કૂટરમાં તુરક સમાજના પ્રમુખ જાવેદભાઇ તાજવાણી જઈ રહેલ હતા તે સમયે બે સ્કૂટરમાં આવેલા ફારૂકભાઇ મૌલાના, તેનો પુત્ર જાવીદ, ડ્રાઈવર અનિષ કુરેશી અને તાલીયો બાલીએ જાવીદ તાજવાણી સાથે ટ્રાન્સ્પોર્ટના ધંધા બાબતે બોલાચાલી કરી રહ્યા હતા ત્યારે જાવીદ મૌલાના અને ડ્રાઇવર અનીશ તથા તાલીયો બાલી કહેવા લાગેલ કે, હમણા આને બોવ ચરબી ચઢી છે આને પતાવી દેવો પડશે તેમ કહી અપશબ્દો ભાંડી રહ્યા હતા. આ દરમ્યાન ફારૂક મૌલાનાએ તેની મોપેડની આગળના ભાગે આવેલ ખાનામાંથી પિસ્તોલ જેવુ હથીયાર કાઢીને જાવીદ તાજવાણીના માથામાં ગોળી મારી દેતા તે ઢળી પડયો હતો.
બાદમાં ફારૂકભાઇ મૌલાના સહિતના ચારેય શખ્સો નાસી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલા જાવીદભાઇ તાજવાણીને પ્રથમ સરકારી હોસ્પીટલએ ખસેડવામાં આવેલ જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ સ્થિતિ ગંભીર હોવાથી ખાનગી હોસ્પીટલએ લઈ ગયેલ બાદમાં બપોરે વધુ સારવાર અર્થે જુનાગઢ ખસેડવામાં આવેલ હતો. જ્યાં ટુંકી સારવાર બાદ મોડી સાંજે જાવીદભાઇ તાજવાણીનું મૃત્યુ નિપજ્યું હતુ. આ હત્યાના મામલે પોલીસે તુરક હારૂન વલી હાલાની ઉપરોકત વિગતો સાથેની ફરીયાદ લઈ ફાયરીંગ કરનાર આરોપીઓ (1) ફારૂકભાઇ મૌલાના, (2) જાવેદ ફારૂક મૌલાના, (3) ડ્રાઇવર અનીશ કુરેશી, (4) તાલીયો બાલી તમામ રહે. વેરાવળ વાળા સામે હત્યા સહિતની બીએનએસની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ફાયરીંગની ઘટનાની જાણ થતાં તુરંત જીલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાએ ઘટના સ્થળ અને હોસ્પીટલની મુલાકાત લઈ આગળની તપાસ અંગે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. જ્યારે ફાયરીંગ કરી નાસી ગયેલા આરોપીઓને પકડવા એલસીબી, એસઓજી સહિતની બ્રાન્ચોની પાંચ જેટલી ટીમો બનાવી તપાસ અર્થે દોડાવવામાં આવી હતી. આ ઘટનાને પગલે સોમનાથ ટોકીઝ વિસ્તારની સાથે મૃતક અને આરોપીઓના રહેણાંક વિસ્તારોમાં તંગદીલી જેવો માહોલ પ્રસરેલ હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુસર પોલીસવડા જયદીપસિંહ જાડેજાની સુચનાથી 2 ડીવાયએસપી, 6 પીઆઈ, 6 પીએસઆઈ અને 100 થી વધુ પોલીસ સ્ટાફનો બંદોબસ્ત તૈનાત કરી ચુસ્ત પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યો હતો.
