વેરાવળ-પાટણ જોડિયા શહેરમાં આગામી ચોમાસા પૂર્વે જર્જરિત ઇમારતોને કારણે જાનમાલને નુકસાન ન થાય તે માટે સંયુક્ત નગરપાલિકા દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સર્વે દરમિયાન કુલ 82 ઇમારતો જોખમી હાલતમાં હોવાનું સામે આવ્યું છે.
નગરપાલિકાના મ્યુનિસિપલ એન્જિનિયર ભગીરથ પઢિયાર એ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, આ 82 ઇમારતોમાંથી 21 ઇમારતો માલિકો દ્વારા સ્વૈચ્છિક રીતે ઉતારી લેવામાં આવી છે. જ્યારે અન્ય 5 ઇમારતોમાં હાલ મરામત અને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. નગરપાલિકા તંત્ર દ્વારા 16 અત્યંત જોખમી ઇમારતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તે પૈકી 6 ઇમારતોને નગરપાલિકા પોતાના ખર્ચે ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટર મારફતે ઉતારવાની કાર્યવાહી શરૂ કરી છે. બાકીની જોખમી ઇમારતો અંગે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન જૂની અને નબળી ઇમારતો ધરાશાયી થવાના બનાવો બનતા હોય છે, જેનાથી જાનહાનિ અને સંપત્તિને નુકસાન થવાની શક્યતા રહે છે. આ જોખમ ટાળવા માટે પાલિકાએ સમયસર સર્વે અને કાર્યવાહી હાથ ધરી છે.
વેરાવળ-પાટણ નગરપાલિકા એ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે, જેમની ઇમારતો જર્જરિત હાલતમાં હોય તેઓ સ્વયં તેને ઉતારી લે અથવા જરૂરી મરામત કરી લે. જો આ શક્ય ન હોય તો તંત્રને જાણ કરી સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
