જુદા-જુદા વિસ્તારોમાંથી યાત્રા નિકળી : ખારવા સમાજની વ્યવસ્થા મુજબ વારાફરતી દરિયામાં વિસર્જન કરાયું
યાત્રાઘામ નગરી વેરાવળ શહેર ના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો અને અનેક લોકો દ્વારા પોતાના આંગણે પાંચ દિવસ પહેલા અંદાજે 300 થી વઘુ એક થી ચાર ફૂટ સુઘીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિરઓનું આસ્થાભેર સ્થાપન કર્યુ હતુ. બાદ સતત પાંચ દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો થકી પૂજા-અર્ચના સાથે ઉજવણી કરાઈ હતી. આજે પાંચમાં દિવસે અગલે બરસ તુ જલ્દી આના… બાપા મોરીયા ના નારા સાથે જુદા જુદા વિસ્તારોમાંથી વિઘ્નહર્તાની સામુહિક વિસર્જન યાત્રા નીકળેલ જે ટાવર ચોકમાં એકત્ર થઈ સામુહિક સ્વરૂપે ગૌરવપથ ઉપર ફરીને બંદરે પહોંચી હતી. જ્યાં ખારવા સમાજ દ્રારા કરાયેલ વ્યવસ્થા મુજબ મૂર્તીઓનું વારાફરતી દરિયામાં વિસર્જન કરવામાં આવેલ હતું. આજે બપોરથી શહેરમાં જુદા જુદા મુખ્ય મંડળ સતિમાં ગ્રુપ, ગણેશ મિત્ર મંડળ, તપેશ્વર મિત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ માં અષ્ટવિનાયક ગ્રુપ સહિત જુદા-જુદા વિસ્તારોમાં સ્થાપન કરેલ અંદાજે 300 થી વઘુ વિધ્નહર્તા ગણપતિજીની મૂર્તીઓને જે તે મંડળના યુવાનો પોતાના વાહનો માં રાખી ડીજેના તાલે ભક્તિસભર ગીત સંગીતના તાલે નાચી અબીલ ગુલાલની છોળો ઉડાડતી વિસર્જન યાત્રા નીકળી હતી. આ તમામ ગણપતિજીની મૂર્તીઓ ટાવર ચોકમાં ક્રમશ: એકત્ર થઇ રહેલ ત્યારે હિન્દુ સમાજના આગેવાનો અને ધારાસભ્ય તથા રાજ્યસભાના સાંસદ દ્વારા તમામ મંડળો અને મૂર્તિઓને હારતોરા કરી આવકારતા હતા. બાદમાં આ તમામ મૂર્તિઓ સાથે લોકો ગૌરવ પથ થઈ વિસર્જન અર્થે બંદરે પહોંચ્યા હતા.
શહેરના તમામ મૂર્તિઓનું દરિયામાં સુરક્ષિત રીતે વિસર્જન કરવા માટે અગાઉથી જ કિશોરભાઇ કુહાડા ના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજના યુવાનોએ વ્યવસ્થા કરી રાખી હતી. આ અંગે કિશોરભાઇ કુહાડાએ જણાવેલ કે, લોકો આસ્થાભેર વિઘ્નહર્તાની મૂર્તીઓનું દરીયામાં વિર્સજન કરવા માટે ત્રીસેક જેટલા સ્વયંસેવકોની ટીમ ખડેપગે તથા બંદર ના દરીયાકિનારે દસેક નાની હોડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. જેના મારફત સામુહિક વિસર્જન યાત્રા મારફત આવેલ અંદાજે 300 જેટલી નાની-મોટી મૂર્તીઓને અમારી સ્વયંસેવકોની ટીમ દ્રારા હોડીમાં લઇ જઇ થોડે દૂર દરિયામાં આસ્થાભેર વિસર્જન કરવામાં આવી હતી. સતત પાંચ દિવસ સુધી ઉજવણી કર્યા બાદ વિસર્જન અર્થે મૂર્તિ સાથે દરિયાકાંઠે પહોંચતા લોકો ભીની આંખે અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે પ્રાર્થના કરી વિઘ્નર્હતાને વિદાય આપતા જોવા મળતા હતા. આજની સામુહિક વિસર્જનયાત્રા ને લઈ સિટી પીઆઈ ગઢવી દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવેલ હતો.
