વેરાવળના વીરસાવરકર ગાર્ડન અસામાજીક તત્વોનો અડ્ડો બન્યું

રપ શખ્સોએ વડીલો સાથે ઝપાઝપી કર્યાના આક્ષેપ સાથે પોલીસને આવેદન

વેરાવળમાં વણંદ સોસાયટી વિસ્તારમાં આવેલ વીર સાવરકર ગાર્ડનમાં અસામાજિક તત્વોના ત્રાસ અને સિનિયર સિટિઝન સાથે માથાકૂટ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાર્ડનમાં સાંજના સમયે એકત્રિત થતા વડીલો સાથે 25 જેટલા શખ્સોએ મારામારી કરી હોવાના આક્ષેપ સાથે પોલીસ ને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે અરજદારોના જણાવ્યા મુજબ વીર સાવરકર ગાર્ડનમાં મોટાભાગે નિવૃત્ત વેપારીઓ સહિતના સિનિયર સિટીઝનો દરરોજ સાંજે સમય પસાર કરવા અને એકબીજાને મળવા માટે આવે છે. છેલ્લા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગાર્ડનમાં જાહેરમાં દારૂ અને નશીલા પદાર્થોનું સેવન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગાર્ડનમાં આવતા સામાન્ય નાગરિકો, મહિલાઓ, બાળકો અને વડીલો ને હેરાન કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે. તા.1 નવેમ્બર 2026 ના આશરે 20 થી 25 શખ્સોએ એકત્રિત થઈ સિનિયર સિટિઝનો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ અરજીના કરવામાં આવ્યો છે. આથી સિનિયર સીટીઝન દ્વારા વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત અરજી આપી આ શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ સમગ્ર મામલે વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એન. ગઢવીએ જણાવેલ કે, સિનિયર સિટિઝન સાથે માથાકૂટ કરનાર શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સાથે જરૂરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જાહેર બગીચામાં વડીલો, મહિલાઓ અને બાળકોની સુરક્ષા નો પ્રશ્ન ઉભો થતાં પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંથી સ્થાનિક રહેવાસીઓ ને રાહત મળે તેવી આશા વ્યક્ત થઈ રહી છે ત્યારે ગાર્ડનમાં કાયમી શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે નિયમિત પોલીસ પેટ્રોલિંગ અને અસામાજિક પ્રવૃતિઓ સામે સતત કાર્યવાહી થાય તેવી માંગ કરેલ છે.

રિલેટેડ ન્યૂઝ