થાનનાં ભાડુલામાંથી કાર્બોસેલનો સીઝ કરાયેલ 22 લાખનો જથ્થો ચોરાઇ ગયો!

3 શખ્સો સામે પોલીસ ફરીયાદ નોંધાઇ

થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાંથી ખાણ ખનીજની ટીમે ચેકીંગ દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલનો રૂ. 22.25 લાખનો મુદમાલ સીઝ કરી રાખેલો હતો. આ મુદમાલ 6 ટ્રેકટરદ્વારા ગોધરા અને થાનગઢના ત્રણ શખ્સએ મળી આ મુદમાલ ચોરી કરી લઇ ગયાની થાનગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરી પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં ખાણખનીજ અને પોલીસની સંયુકત ટીમે રેડ દરમ્યાન ઉંડા કુવામાંથી ખનીજ ચોરી કરેલો લાખો રૂપીયાનો ગેરકાયદેસર કાર્બોેસેલનો જથ્થો ઝડપી લીધો હતો. આ જથ્થો ખાણ ખનીજ વિભાગે સીઝ કરી રાખી દીધો હતો. એવામાં આ ગેરકાયદેસર કાર્બોસેલનો સીઝ કરેલો જથ્થો ચોરી કરી લઇ ગયાનું માલુમ પડતા જિલ્લા ખાણ ખનીજની ટીમે પોલીસની મદદથી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન અલગ-અલગ છ ટ્રેકટરના ચાલક, ગોધરાના પ્રભુભાઇ બદીયાભાઇ માવી, થાનગઢના જયપાલ ગોવિંદભાઇ અલગોતર અને ભરત બીજલભાઇ મીર સહિતના શખ્સોએ આ 22.25 લાખ રૂપિયાની કિંમતનો સીઝ કરેલો કાર્બોસેલનો જથ્થો ચોરી કરી લઇ ગયાનું માલુમ પડતા આ નવ શખ્સો સામે થાનગઢ પોલીસ સ્ટેશનમાં સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર ગોપાલ કિશોરભાઇ ચંદારાણાએ પોલીસ ફરિયાદ નોંધાયેલ છે. આ બાબતની આગળની તપાસ થાનગઢ પોલીસ ચલાવી રહી છે.
સીઝ કરલો જથ્થો સ્થળ ઉપરથી લઇ જવો મુશ્કેલ
થાનગઢના ગ્રામ્યમાં ગેરકાયદેસર કાર્બોસેલ સહિતના ખનીજનો ઝડપાયેલો જથ્થો સીઝ કરીને મોટાભાગે ઘટનાસ્થળે જ રાખવો પડતો હોય છે. કારણ કે ત્યાંથી અન્ય જગ્યાએ લઇ જઇ સંગ્રહ કરવો મુશ્કેલ પડતો હોવાથી ખનીજ માફીયાઓ અંધારાનો લાભ લઇ ચોરી કરી લઇ ગયા હતા.
અપૂરતા સ્ટાફથી ખનીજ ચોરી ઝડપવામાં મુશ્કેલી
સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગની કચેરીમાં છેલ્લાં ઘણાં સમયથી મહેકમથી સ્ટાફની ઘટ છે અને જિલ્લામાં ખનીજ નીકળતો વિસ્તાર વધારે હોવાથી મોટી સંખ્યામાં સ્ટાફની જરૂર હોવા છતાંય સ્ટાફ અપુરતો હોવાના કારણે ખનીજ ચોરી ઝડપી લેવા માટે વધારે સ્ટાફની ખાસ જરૂર દેખાઇ રહ્યું છે.

રિલેટેડ ન્યૂઝ