વઢવાણના ખોડુ ગામનાં સરપંચના પતિને બુટલેગરે ધમકી આપી

રૂપાવટીનાં સરપંચના ભાઇને પણ ધમકી આપી: ફરીયાદ નોંધાવાઇ

વઢવાણ તાલુકાના ખોડુ ગામના મહિલા સરપંચના પતિ અને રૂપાવટીના સરપંચના ભાઈને રૂપાવટીના બુટલેગરે ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ આરોપીની હજુ સુધી ધરપકડ ન થતા મંગળવારે ગ્રામજનો સુરેન્દ્રનગર દોડી આવ્યા હતા અને કલેકટર તથા એસપીને લેખિતમાં રજૂઆત કરી બુટલેગર સામે પાસા કે હદપારીનું શસ્ત્ર ઉગામવા માંગ કરી છે.
ખોડુ ગામે રહેતા સિધ્ધરાજસિંહ ચંદુભા ખેર અને રૂપાવટીના યુવરાજસિંહ સુખદેવસિંહ ઝાલાએ જોરાવરનગર પોલીસ મથકે અલગ-અલગ ફરિયાદો નોંધાવી હતી. જેમાં રૂપાવટી ગામના ભુપત દેવુભાઈ મારૂણીયાએ બન્નેને ફોન કરી દારૂ આજે ય બંધ નહીં થાય ને કાલેય બંધ નહીં થાય, તારે એસપીને કહેવુ હોય તો કહી દેજે દારૂ બંધ નહીં થાય તેમ કહી બન્નેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવની ફરિયાદ નોંધાયા બાદ હજુ સુધી આરોપીની ધરપકડ ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. અને મંગળવારે ગ્રામજનો સુરેન્દ્રનગર દોડી આવ્યા હતા. અને કલેકટર, એસપીને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવાયા મુજબ આ આરોપી સામે હત્યા, દારૂ, જુગાર, ખંડણી માંગવાનો ગુનો પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. આરોપીના ત્રાસથી તેના આસપાસના રહેણાક મકાનોના લોકો હીજરત કરીને જતા રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ