તણાવપુર્ણ માહોલ વચ્ચે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
સુરેન્દ્રનગરના કોઢ ગામમાં પાવરગ્રીડ કંપનીનું કામ અટકાવવા બાબતે ખેડૂતો દ્વારા ફરી એકવાર ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત: વિરોધને પગલે તંત્ર દ્વારા ગામમાં મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. પોલીસે 40થી વધુ ખેડૂતોની અટકાયત કરી છે અને તેમને તાત્કાલિક પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. પાવરગ્રીડ કંપની વિરુદ્ધ ખેડૂતો દ્વારા અગાઉ પણ અનેક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધાંગધ્રામાં પાવરગ્રીડ કંપનીની કામગીરીનો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતોના ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ થતાં જ ગામના લોકો અને ખેડૂતો ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ કાફલો અને કંપનીના કર્મચારીઓ ગામમાં પહોંચ્યા હતા. ખેડૂતો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી તથા ઘર્ષણ સર્જાયું હતું. વિરોધ કરતા અંદાજે 40થી વધુ ખેડૂતોને પોલીસે અટકાયત કરી હતી. ખેડૂતોનું કહેવું છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ સરકારે કંપનીના ફાયદા માટે આ કામગીરી શરૂ કરી છે અને પોલીસ ખેડૂતો સામે કડક કાર્યવાહી કરી રહી છે. કેટલાક ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર અને પોલીસ તેમને આતંકવાદી જેવી નજરે જોઈ રહી છે. ખેડૂતો દ્વારા આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે.
અગાઉ પણ પાવરગ્રીડ કંપનીના કર્મચારીઓ સર્વે કરવા આવ્યા ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. ખેડૂતોનું કહેવું હતું કે તેમની માંગણીઓ સ્વીકાર્યા બાદ જ કામગીરી શરૂ કરવામાં આવે. તે સમયે સ્થાનિક અધિકારીઓ, ડી.વાય.એસ.પી. અને પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો અને સર્વે માટે સમય આપવામાં આવ્યો હતો. છતાં ખેડૂતોના આક્ષેપ મુજબ તેમની 12 મુખ્ય માંગણીઓ હજુ સુધી સંતોષવામાં આવી નથી.
ખેડૂતોનું કહેવું છે કે માંગણીઓનું નિરાકરણ આવ્યા વગર જ કંપની દ્વારા ખેતરોમાં વીજપોલ નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
