રાજકોટના બે યુવાનો પીપળીધામ રામાપીરના દર્શન કરી પાછા ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ચોટીલા – સાયલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાંગાણી ગામના ઓવરબ્રીજ અને બળદેવ હોટલ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા એક આઇસર ટ્રકના ચાલકે મોટરસાયકલને જોરદાર ઠોકર મારતાં રાજકોટના સોરઠીયા પ્રજાપતિ (કુંભાર) જ્ઞાતિના બે કુટુંબી ભાઈઓના કરુણ મોત નીપજ્યા છે. આ ગમખ્વાર અકસ્માતને પગલે બંને યુવકોના પરિવારોમાં માતમ છવાઈ ગયો છે.
મળતી વિગત મુજબ, રાજકોટના ગાંધીગ્રામ ભારતીનગર-1, ઉદય હોલની પાછળ રહેતા જતીનભાઇ રણછોડભાઈ ભલસોડ (ઉં.વ. 26) અને માધાપર ચોકડી પાસે માતૃ મેરીગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતા તેમના પિતરાઈ ભાઈ મયુરભાઇ મથુરભાઈ ભવાનભાઈ ભલસોડ (ઉં.વ. 27) ગઈકાલે બાઇક લઈને સુરેન્દ્રનગર નજીક આવેલા પ્રખ્યાત પીપળીધામ રામાપીરના મંદિરે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને સુખરૂપ પરત ફરી રહ્યા હતા ત્યારે ચોટીલાના સાંગાણી ગામ પાસે કાળમુખા આઇસર ટ્રકે તેમની બાઇકને ઉલાળી દીધી હતી.
ટ્રકની ભયાનક ટક્કરના કારણે બંને ભાઈઓ રોડ પર ફગાવી દેવાયા હતા. જેમાં મયુરભાઇ ભલસોડનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાના કારણે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલા જતીનભાઇ ભલસોડને તત્કાલ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે પણ હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક જતીનભાઇ બે બહેનોનો એકનો એક મોટો ભાઈ હતો અને અપરિણીત હતો. તેના પિતા ખેતી મજુરી કરે છે અને પોતે લેથ તથા ગેરેજનું કામકાજ સંભાળી પરિવારને આર્થિક મદદ કરતો હતો. જ્યારે બીજા મૃતક મયુરભાઇ બે ભાઈ અને બે બહેનોમાં સૌથી નાના હતા. તેમના પિતા હયાત નથી અને તેઓ ક્ધસ્ટ્રક્શન સાઈટ પર સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હતા. બહેનોના માથેથી ભાઈઓનો સાયબો છીનવાઈ જતાં ભલસોડ પરિવારમાં આક્રંદ અને ગમગીની વ્યાપી ગઈ છે.
