ધ્રાંગધ્રા હાઇ-વે પરથી પોલીસે દારૂ ભરેલ ટ્રક ઝડપી લીધો

1.78 લાખના દારૂ સહીત 11.98 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લા એલસીબી ટીમે ધ્રાંગધ્રા હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 11.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ, ટ્રક અને મોબાઈલનો સમાવેશ થાય છે. પોલીસે રાજસ્થાનના બે શખ્સોને પણ પકડી પાડ્યા છે.
એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, માલવણ તરફથી એક ટ્રકમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ છુપાવી ધ્રાંગધ્રા તરફ આવી રહ્યો છે. આ બાતમીના આધારે એલસીબી ટીમના દશરથભાઈ રબારી, પ્રતાપસિંહ રાઠોડ, સંજયભાઈ પાઠક, અજયસિંહ ઝાલા સહિતના સ્ટાફે હાઈવે પર કોર્ટ નજીક વોચ ગોઠવી હતી.
વોચ દરમિયાન ૠઉં 27 ઝઝ 9116 નંબરનો ટ્રક આવતા તેને રોકવામાં આવ્યો હતો. તપાસ કરતા ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 504 બોટલ અને 120 બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત 1,78,464 રૂપિયા થાય છે.
આ ઉપરાંત, 10 લાખ રૂપિયાનો ટ્રક અને 20,000 રૂપિયાના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા હતા. કુલ 11,98,464 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. પોલીસે ટ્રકમાં સવાર વિજયસિંહ ધુલસિંહ સિસોદિયા અને દેવીસિંહ નરસિંહ સિસોદિયા (બંને રહે. ઉદેપુર, રાજસ્થાન) ને ઝડપી પાડ્યા હતા.
આ કેસમાં વિદેશી દારૂ મોકલનાર રાજેન્દ્ર પટેલ અને મંગાવનાર અજાણ્યા શખ્સ સહિત કુલ ચાર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ટ્રક પર લગાવેલી નંબર પ્લેટ પણ ખોટી હતી.

રિલેટેડ ન્યૂઝ