થાનગઢ વિસ્તારમાં એલસીબી (કઈઇ) પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રખાયેલો ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. થાનગઢ ખાતે આવેલા એક સિરામિક કારખાનાની પાછળની ઓરડીમાં મોટો દારૂનો સ્ટોક છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે અચાનક રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબી પોલીસની ટીમ દ્વારા ઓરડીમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ઈંગ્લિશ દારૂની નાની-મોટી કુલ 1070 નંગ બોટલો તથા બિયરના 586 નંગ કેન મળી આવ્યા હતા. પોલીસે દારૂ અને બિયર મળીને કુલ રૂ. 2.92 લાખનો મુદ્દામાલ ઘટનાસ્થળેથી જપ્ત કર્યો છે. સિરામિક ઝોનની આડમાં ચાલતા દારૂના આ કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કરીને બુટલેગરોમાં ફફડાટ મચાવી દીધો છે.પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે આ વિદેશી દારૂનો જથ્થો થાનગઢના જ રહીશ અજય ભલાભાઈ પરમાર નામના શખ્સનો હતો.
