સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે મુળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કુકડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી એક શખ્સને ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં તેની વાડીમાંથી વધુ 7 ચોરી કરેલી મોટરસાયકલ મળી આવી હતી. પોલીસે કુલ 8 મોટરસાયકલ, જેની અંદાજિત કિંમત રૂ. 6.60 લાખ છે, કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
એસ.ઓ.જી.ના કર્મચારીઓને બાતમી મળી હતી કે મુળી તરફથી એક ઈસમ ચોરીની મોટરસાયકલ લઈને સુરેન્દ્રનગર તરફ જવાનો છે. જેના આધારે પોલીસ સ્ટાફે કુકડા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ સાથે પસાર થતા ધ્રાંગધ્રાના રતનપર (કોંઢ) ગામના 25 વર્ષીય શક્તિ ભરતભાઈ મારૂણીયાને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસે મોટરસાયકલના કાગળો અને રજીસ્ટ્રેશન અંગે પૂછતાં તેની પાસે કોઈ આધાર પુરાવા કે દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વિશ્વાસમાં લઈને વધુ પૂછપરછ કરતાં તેણે અન્ય 7 ચોરી કરેલી મોટરસાયકલ પોતાની વાડીમાં છુપાવી હોવાની કબૂલાત કરી હતી. સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસે શક્તિકુમાર મારૂણીયાને ઇગજજ કલમ 35(1)(ઇ) અને 106 મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે મુળી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પોલીસે કબજે કરેલી 8 મોટરસાયકલ અંગેના ચોરીના ગુનાઓની કડીઓ મેળવવા અને અન્ય કોઈ ચોરીના બનાવોમાં તેની સંડોવણી છે કે નહીં તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
