વિશ્વવિખ્યાત તરણેતર મેળાના ત્રીજા દિવસે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં પાંચાળ પ્રદેશના ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પર આધારિત પુસ્તક‘તરણેતરનો મેળો (પાંચાળ પ્રદેશની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહર)’નું વિમોચન કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન (ઢઈંછઋ), ગાંધીનગરનાં ડાયરેક્ટર ડો. શીતલ કોઇશા દ્વારા લખાયેલા આ સંશોધનાત્મક ગ્રંથના વિમોચન પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ શિહોરા તથા ધારાસભ્યો જગદીશભાઈ મકવાણા, પી. કે. પરમાર અને પ્રકાશ વરમોરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં પીએચ.ડી.સંશોધન દરમિયાન ડો. કોઇશાએ તરણેતર મેળા અને પાંચાળ પ્રદેશને કેન્દ્રમાં રાખીને પાંચ વર્ષ સુધી ક્ષેત્રિય અભ્યાસ અને દસ્તાવેજીકરણ કર્યું હતું. આ સંશોધનને પુસ્તક સ્વરૂપ આપવામાં આવ્યું છે. ગ્રંથમાં તરણેતર મેળાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ઉપરાંત પાંચાળ પ્રદેશની લોકપરંપરાઓ, લોકગીતો, લોકનૃત્યો, ગ્રામ્ય જીવન, પરંપરાગત કારીગરી અને ભરતકામવાળી કાષ્ઠ-છત્રીઓ સહિતના વિવિધ સાંસ્કૃતિક પાસાંઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પુસ્તકમાં ઉપલબ્ધ ઐતિહાસિક તસવીરો, હસ્તપ્રતો, દસ્તાવેજો અને રેખાચિત્રોના સંદર્ભ દ્વારા તરણેતર મેળાના બદલાતા સ્વરૂપને રજૂ કરવામાં આવ્યું છે. સંશોધનના દૃષ્ટિકોણથી તૈયાર થયેલા આ ગ્રંથમાં મેળાને માત્ર ધાર્મિક આયોજન તરીકે નહીં, પરંતુ પાંચાળ પ્રદેશના સામાજિક અને સાંસ્કૃતિક જીવન સાથે જોડાયેલી પરંપરા તરીકે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
