મહિલા સહિત ત્રણની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રતનપર સુધારા પ્લોટમાં પોલીસે દરોડો પાડીને મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે મહિલા સહિત 3 આરોપીઓની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
જોરાવરનગર પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રતનપર સર્કિટ હાઉસ સામે રહેતા અમીનાબેન માણેકના ઘર પાછળ આવેલ વાડામાં દરોડો પાડ્યો હતો. પોલીસે વાડામાંથી દેશી દારૂની થેલીઓ સગેવગે કરી રહેલા 3 ઈસમોને કોર્ડન કરીને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં અમીનાબેન સુલેમાનભાઈ માણેક ઉં. 60, રહે. રતનપર, અસ્લમભાઇ ઇશાભાઇ માણેક ઉં. 35, રહે. રતનપર અને અબ્બાસ સીદ્દીકભાઇ મેર ઉં. 26, રહે. શાહીબાગ, અમદાવાદનો સમાવેશ થાય છે.
પોલીસે સ્થળ પરથી 5 લિટરની ક્ષમતાવાળી 105 પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલો કુલ 525 લિટર દેશી દારૂ કિંમત 1,05,000 તથા એક કીપેડ મોબાઇલ ફોન મળી કુલ 1,06,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. રતનપર સર્કિટ હાઉસ જેવા મુખ્ય વિસ્તાર સામે જ ઘરના પાછળના વાડામાં વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો સંતાડીને તેનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું.
