સુરેન્દ્રનગરના મૂળચંદ રોડ ઉપર મોંઘીબાઈ ક્ન્યા છાત્રાલય આવેલી છે ત્યારે આ ક્નયા છાત્રાલયમાં રહી અને 130થી વધુ વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી છે જેમાં ગ્રામીણ વિસ્તારની વિદ્યાર્થીનીઓ માટે રહેવા જમવા અને તમામ પ્રકારની સુવિધાઓ આ છાત્રાલયમાં ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ છાત્રાલયના સંચાલકો દ્વારા વિદ્યાર્થીનીઓ પાસે કામગીરી કરવામાં આવતા હોવાના આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો છે અને આ અંગે વિદ્યાર્થીનીઓ દ્વારા વાલીઓને પણ જાણ કરવામાં આવતા વાલીઓ પણ ત્યાં દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
એક તરફ ક્ન્યા છાત્રાલયો ચલાવવા માટે સરકાર અને સ્થાનિક આગેવાનો દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ક્નયા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને પૂરતી સુવિધા અને સગવડતા મળતી નથી પહેલા ચુડા તાલુકામાં પણ આ પ્રકારની ઘટના બની હતી અને હવે વઢવાણ તાલુકાના મૂળચંદ ગામે આવેલા ક્નયા છાત્રાલયમાં પણ આ પ્રકારની ઘટના બનવા પામી છે જેને લઈને છાત્રાલયમાં અભ્યાસ કરતી બાળકીઓ અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. મોંઘીબાઈ ક્ન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પાસે રાત્રિ દરમિયાન મજૂરી કામ કરાવવામાં આવ્યું હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે જેને લઇને 10થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડવા પામી છે જોકે છાત્રાલયના સંચાલકો અને ટ્રસ્ટીઓ દ્વારા આ વિદ્યાર્થીનીઓને હોસ્પિટલે સારવાર માટે પણ લઈ જવામાં આવી નથી પરિણામે વાલીઓને જાણ કરવામાં આવતા વાલીઓ ત્યાં દોડી આવ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી અને હોબાળો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ટ્રસ્ટીઓ અને સંચાલકો દોડી આવ્યા હતા અને વાલીઓ અને વિદ્યાર્થીનીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. શિક્ષણ વિભાગે તપાસ હાથ ધરી છે.
