બે વર્ષ પહેલા ત્યજી દેવાયેલી ‘અંબા’ને દત્તક લેવા ઈટાલીનો પરિવાર રાજકોટ આવ્યો
રાજકોટ: બે વર્ષ પહેલા રાજકોટમાં એક ત્યજી દેવાયેલી બાળકી મળી આી હતી, જેના પર સમગ્ર ગુજરાતની જનતાએ અપાર પ્રેમ વરસાવ્યો હતો.
આ બાળકી હવે મોટી થઈ ગઈ છે અને બે વર્ષની અંબાને હવે તેને પરિવાર મળ્યો છે, જેની સાથે તે હવે ઈટાલી જશે. રાજકોટની દીકરી ‘અંબા’ને આજે દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છેકે ફેબ્રુઆરી 2020માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા’ તીક્ષ્ણ હથિયારના 20 ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. હોસ્પિટલમા ત્રણ મહિના મોત સામે લડી હતી અને અંતે ત્રણ મહિનાની સારવાર બાદ તેણે જીતી મેળવી હતી.
મહત્વનું છેકે, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને તત્કાલીન કલેકટર રેમ્યા મોહને બાળકીની સારવાર કરાવી હતી તેને અંબા નામ આપ્યું હતુ. એ વખતે કલેક્ટર, કમિશનરથી લઈને ખુદ તત્કાલીન CM વિજય રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી.
ત્યારે આજ રોજ અંબાના દત્તક આપવાના કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. વિજય રૂપાણીએ દીકરીને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
અંબાને ઇટાલીના દંપત્તિએ દત્તક લીધી
ઈટાલિયન દંપત્તિ ગુંથર અને કેટરીને ભારતમાંથી બીજું બાળક દત્તક લીધું છે. અંબા હવે તેમના પરિવારની બીજી દીકરી બનશે.