પાકિસ્તાનમાં હિન્દુઓની આસ્થા પર ફરી હુમલો

કટ્ટરપંથીઓએ કરાચીમાં હનુમાનજીની મૂર્તિ તોડી

ઈશનિંદાના નામે અત્યાર સુધીમાં હજારોના જીવ લઈ ચૂકેલા પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચાર અટકવાનું નામ લેતા નથી. ભારતને સલાહ સૂચનો આપનારા પાકિસ્તાનમાં હિન્દુઓ પર અપાર અત્યાચાર થઈ રહ્યા છે. તેઓ સતત ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. તાજો મામલો કરાચીનો છે. જ્યાં હિન્દુ સમુદાયને ડરાવવા ધમકાવવા માટે કટ્ટરપંથીઓએ હિંસાનો સહારો લેતા હિન્દુ મંદિરમાં તોડફોડ કરી.

તાજેતરમાં જ નુપુર શર્માના એક નિવેદનને લઈને ભારતને જ્ઞાન આપતા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. ત્યાં હિન્દુઓ અને તેમના આરાધ્ય સ્થળોની હાલત કોઈથી છૂપી નથી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કરાચીના કોરંગી વિસ્તારમાં મરી માતા મંદિરમાં મૂર્તિઓ પર હુમલો થયો. આ મંદિર કોરંગી પોલીસ સ્ટેશનથી થોડે દૂર છે. મંદિર પર હુમલાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સમીક્ષા કરીને ઘટનાની તપાસ કરવાનું જણાવ્યું છે. જો કે પોલીસનું પણ આવા કેસોમાં શું વર્તન હોય છે તે કોઈનાથી છૂપું નથી.

આ ઘટનાક્રમ અંગે 15 સેકન્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે જેહાદી માનસિકતાવાળા કટ્ટરપંથીઓએ કેવી રીતે એક હિન્દુ મંદિરને નુકસાન પહોંચાડ્યું અને કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતિક સમાન હનુમાનજી એટલે કે બજરંગબલીની પ્રતિમા સાથે કેવી ગેરવર્તણૂંક કરી. આ મંદિરમાં ખુબ લૂટફાટ પણ કરાઈ.

આ ઘટના બાદ ત્યાં હિન્દુઓમાં દહેશતનો માહોલ છે. સ્થાનિકોનું કહેવું છે કે બાઈક પર આવેલા લગભગ 6થી આઠ બદમાશોએ મંદિર પર હુમલો કર્યો. છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાન નુપુર શર્માના નિવેદન મામલે ભારતને સમજાવવાની કોશિશ કરી રહ્યું છે પરંતુ ત્યાં હિન્દુઓ, શીખ અને ઈસાઈ જેવા લઘુમતી સમુદાયો અને તેમના પૂજા સ્થળોની જે હાલત થઈ રહી છે તેના પર તો મોઢું બંધ થઈ જાય છે.

રિલેટેડ ન્યૂઝ