સમગ્ર યુરોપમાં અસર થવાનો ભય : ડિફોલ્ટ કટોકટીનો સામનો કરી રહેલા અમેરિકાનું રેિંટગ પણ ફિન્ચ દ્વારા ઘટાડાયું
બર્લીન તા.25
વિશ્ર્વમાં મંદીની ચિંતા વચ્ચે હવે તે વાસ્તવિક બનવા લાગી છે અને એક તરફ અમેરિકા ડિફોલ્ટર થવાની અણી પર પહોંચી ગયું છે તથા 1 જૂન બાદ તે કઈ પરીસ્થિતિમાં હશે તેના પર પ્રશ્ર્ન છે તો મંદીનું યુરોપમાં આગમન થઈ ગયું છે અને જર્મનીની ઈકોનોમીક 2023ના પ્રથમ કવાર્ટરમાં તેનો જીડીપી ઘટતા સતત બે કવાર્ટરમાં નેગેટીવ રિટર્ન આપતા જર્મની સતાવાર રીતે મંદીમાં પ્રવેશી ગયું હોય તે નિશ્ર્ચિત બન્યું છે. 2022-23ના વર્ષના અંતિમ કવાર્ટરમાં જર્મનીનો જીડીપી 0.5 ટકા નીચો આવ્યો હતો અને હવે 2023માં પ્રથમ કવાર્ટર એટલે કે જાન્યુ. થી માર્ચમાં જર્મનીની જીડીપીમાં 0.3 ટકાનો ઘટાડો થયો છે અને તેથી અર્થશાસ્ત્રીઓના મતે જર્મની મંદીમાં પ્રવેશી ગયું છે. વર્ષના પ્રારંભથી જ જર્મનીમાં ફુગાવાનો બોજો હતો અને તેના કારણે ઘરેલુ ખર્ચ પર અસર પડી છે જે કવાર્ટરથી કવાર્ટર 1.2 ટકા ઘટયો છે અને હવે જર્મનીની મંદી યુરોપના કયા કયા દેશમાં પહોંચશે તે પણ પ્રશ્ર્ન છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય એજન્સી ફીન્ચ દ્વારા અમેરિકાનું રેટીંગ નેગેટીવ કરવામાં આવ્યું છે જે પણ એક આંચકો છે. એક તરફ અમેરિકા તેની ડિફોલ્ટ કટોકટીનો સામનો કરી રહ્યું છે તે સમયે જ અમેરિકાના એએ રેટીંગને નેગેટીવ વોચ હેઠળ મુકવામાં આવ્યું છે. અમેરિકા પણ મંદીમાં જશે તેવા ભય સેવાય છે તેમ છતાં જો દેવા ડિફોલ્ટ થવાની કટોકટીને ટાળી શકે તો અમેરિકા માટે થોડી રાહત હશે.
સામાન્ય રીતે સતત બે કવાર્ટરમાં જીડીપી ઘટે તો તેને મંદીના સંકેત ગણવામાં આવે છે. ખાસ કરીને યુક્રેન અને રશિયાના યુદ્ધના કારણે જર્મનીમાં ગેસ સહિતની એનર્જી સપ્લાય ઘટી છે અને ભાવ વધ્યા છે તેની અસર લોકોના ખર્ચ પર પડી છે. જો કે માનવામાં આવે છે કે આ મંદી હળવી હશે. કોવિડ સમયે પણ જર્મનીના અર્થતંત્રને કોઈ મોટી અસર થઈ ન હતી તે સૂચક છે.