એચ-વન-બી વિઝા પ્રોગ્રામ ખોટો નથી તેનો ગેરઉપયોગ થવો ન જોઈએ
વિશ્ર્વના નંબર વન અબજોપતિ અને ટેસ્લા સહિતની ખ્યાતનામ કંપનીના માલિક એલન મસ્કે સ્વીકાર્યુ હતું કે ભારતની ટેલેન્ટથી અમેરિકાને ઘણો ફાયદો થયો છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ-1-બી વિઝા સહિતના અમેરિકામાં નોકરીથી લઈ વસવાટ સુધીની વિઝા અને ગ્રીનકાર્ડ પ્રક્રિયાને વધુ અઘરી બનાવી રહ્યા છે અને વિશ્ર્વની ટેલેન્ટને ફકત અમેરિકામાં સ્થાનિક લોકોને તૈયાર કરવા અને પછી દેશ છોડી જવા અપીલ કરે છે તે વચ્ચે એક સમયે ટ્રમ્પના ખાસ સાથી રહી ચુકેલા મસ્કે કહ્યું હતું કે જે લોકો ભારતથી અમેરિકા આવ્યા છે તે તમામ બૌદ્ધિકો સહિતના લોકોથી અમેરિકાને મોટો ફાયદો થયો છે. દેશના જાણીતા બ્રોકરેજ હાઉસ ઝરોધાના વડા નિખીલ કામઠના પોડકાસ્ટને આપેલી એક મુલાકાતમાં એલન મસ્કે અનેક રસપ્રદ બાબતો કહી હતી તેમણે કહ્યું કે એચ-વન-બી વિઝા પ્રોગ્રામ એ અમેરિકામાં અત્યંત મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રોગ્રામમાં કોઈ વાંધો નથી પરંતુ તેનો ગેરઉપયોગ કરવામાં આવે છે તેની સામે પ્રશ્ર્ન છે અને તે આપણે અટકાવવું જોઈએ. મે અગાઉ પણ પ્રમુખ ટ્રમ્પને કહ્યું હતું કે એચ-વન-બી વિઝા પ્રોગ્રામ બંધ થવો ન જોઈએ.
