હવે નેશનલ સિક્યુરીટી ટેરીફ અને લાયસન્સ ફી લાદવા ટ્રમ્પની ધમકી
અમેરિકી પ્રમુખ હવે રાષ્ટ્રીય સલામતી માટે પ્રમુખને મળતી ખાસ સત્તાનો ઉપયોગ કરીને અનેક ક્ષેત્રો પર વધારાના ટેરીફ લાદવા તૈયાર
ટેરીફ મુદ્ે અમેરિકી સુપ્રિમ કોર્ટે આપેલા આંચકા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે વધુ આક્રમક થયા છે અને તેઓએ ભારત સહિતના દેશો ઉપર ઉંચા ટેરીફ રદ થયા બાદ જે રીતે પહેલા 10 ટકા અને બાદમાં 15 ટકા ટેરીફ લાદી દીધા તે છતાં પણ તેઓે હજુ વધુ ટેરીફ લાદવાની તૈયારી કરી રહ્યા છે અને સાથોસાથ એ પણ ધમકી આપી છે કે જે દેશો સાથે અમેરિકાએ વ્યાપાર સમજુતી કરી છે કે તે પણ રદ કરી શકે છે અને ટ્રેડીંગ પાર્ટનર પર લાયસન્સ ફી પણ લગાવી શકે છે. આમ ટ્રમ્પે વધુ એક વખત અનિશ્ર્ચિતતા સર્જી છે તો વધુ એક અહેવાલ મુજબ હવે તેઓ અડધો ડઝનથી વધુ ક્ષેત્રોમાં નેશનલ સિક્યુરીટી ટેરીફ પણ લાદવાની તૈયારી કરી રહ્યા છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ પ્રમુખ ટ્રમ્પ હવે ઔદ્યોગીક ઉત્પાદનોમાં ખાસ નેશનલ સિક્યુરીટી ટેરીફ માટે તૈયારી કરી રહ્યા છે જેમાં બેટરીઓ, કાસ્ટ આર્યન, આર્યન ફીટીંગ, પ્લાસ્ટીક પાઇપ, ઇન્ડસ્ટ્રીયલ કેમીકલ તથા પાવર ગ્રીડ અને ટેલી કોમ્યુનીકેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનો પર આ પ્રકારનો ટેરીફ લાદી શકે છે જે અમેરિકાના ટ્રેડ એક્સપેન્શન એક્ટ 1962ની કલમ 232નો ઉપયોગ કરશે જે દેશના પ્રમુખને રાષ્ટ્રીય સલામતી સામે જો કોઇ જોખમ લાગે તો તે ટેરીફ લાદી શકે છે. ટ્રમ્પે અગાઉ સ્ટીલ, એલ્યુમીનીયમ, કોપર અને ઓટો પાટર્સ પર આ પ્રકારના ટેરીફ લાદ્યા છે અને તેને અમેરિકી સુપ્રિમ કોર્ટ પણ રદ કરી શકતી નથી.