અમેરિકા સહિતના પ1 દેશો પણ મતદાનથી દુર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુધ્ધને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવમાં તાત્કાલિક યુધ્ધવિરામની માંગ કરવામાં આવી હતી, જેને મોટાભાગના દેશોનું સમર્થન મળ્યું છે.
રશિયા દ્વારા યુક્રેન પર કરવામાં આવેલા આક્રમણની ચોથી વરસી પર સંયુક્ત રાષ્ટ્રમાં ’યુક્રેનમાં સ્થાયી શાંતિ માટે સમર્થન’ શીર્ષક હેઠળ એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. 193 સભ્યોની મહાસભામાં આ પ્રસ્તાવના પક્ષમાં 107 દેશોએ મતદાન કર્યું હતું, જ્યારે 12 દેશોએ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો.
આ પ્રસ્તાવમાં રશિયા અને યુક્રેન વચ્ચે તાત્કાલિક, પૂર્ણ અને બિનશરતી યુધ્ધવિરામની માંગ કરવામાં આવી હતી.
ભારતે આ વખતે પણ રશિયા-યુક્રેન વિવાદમાં પોતાનું તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું. ભારતે આ પ્રસ્તાવ પરના મતદાનમાં હિસ્સો લીધો નહોતો. ભારત ઉપરાંત અમેરિકા, ચીન, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા અને યુએઈ જેવા કુલ 51 દેશોએ આ મતદાન પ્રક્રિયાથી અંતર રાખ્યું હતું. ભારતનું માનવું છે કે કોઈપણ વિવાદનો ઉકેલ યુધ્ધના મેદાનમાં નહીં પરંતુ સંવાદ અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે.