અમેરિકા-ઈઝરાઇલ દ્વારા ઈરાન પર હુમલાઓ વચ્ચે સંભવિત પ્રતિકારનો ખતરો : ન્યુયોર્ક, ફ્લોરિડા સહિતના રક્ષા બેઝ પર એલર્ટ, વિશ્ર્વભરની યુએસ દૂતાવાસ-કોન્સ્યુલેટ પર એલર્ટ રહેવા સૂચના; અમેરિકામાં એકાએક જબરો ફફડાટ
વોશિંગ્ટન: અમેરિકામાં તાજેતરમાં ડ્રોન સંબંધિત ઘટનાઓને પગલે સુરક્ષા એજન્સીઓમાં ચિંતા વધતી જોવા મળી રહી છે. ખાસ કરીને વોશિંગ્ટન અને આસપાસના વિસ્તારોમાં કેટલાક અજાણ્યા ડ્રોન દેખાવાની ઘટનાઓ નોંધાઈ છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થામાં તાત્કાલિક કડકાઈ લાવવામાં આવી છે.
આ પરિસ્થિતિ એ સમયે ઊભી થઈ છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં વધારો થયો છે. નિષ્ણાતો માને છે કે મધ્યપૂર્વમાં ચાલી રહેલા તણાવનો સીધો પ્રભાવ હવે અમેરિકાની અંદર પણ દેખાવા લાગ્યો છે. ઈરાન અથવા તેના સમર્થિત ગઠબંધનો દ્વારા પ્રતિકારાત્મક પગલાં લેવાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકાના રક્ષણ તંત્ર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ સૈનિક મથકોમાં સુરક્ષા સ્તર ચાર્લી સુધી વધારી દેવામાં આવ્યું છે. આ સ્તરનો અર્થ એ થાય છે કે આતંકવાદી હુમલાની શક્યતા અંગે ચોક્કસ અને વિશ્વસનીય માહિતી મળી છે. ન્યૂ જર્સી અને ફ્લોરિડાના સૈનિક મથકોમાં વધારાની સુરક્ષા તૈનાત કરવામાં આવી છે અને પ્રવેશ પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. સાથે સાથે, અમેરિકાએ વિશ્ર્વભરના પોતાના દૂતાવાસો અને કાઉન્સ્યુલેટ્સ માટે વૈશ્ર્વિક સુરક્ષા ચેતવણી પણ જાહેર કરી છે. આ ચેતવણીમાં અમેરિકન નાગરિકોને સાવચેતી રાખવા અને ભીડવાળા વિસ્તારોમાં ખાસ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે.
વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે પરિસ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી રહી છે અને તમામ ગુપ્તચર એજન્સીઓ સતત નજર રાખી રહી છે. અમેરિકાના રક્ષણ મંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ પણ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે અને જરૂરી માર્ગદર્શન આપ્યું છે.
આ ઉપરાંત, અમેરિકાના રાજકીય વર્તુળોમાં પણ આ મુદ્દે ચર્ચા તેજ બની છે. કેટલાક નેતાઓએ સરકારને વધુ કડક સુરક્ષા પગલાં લેવા માટે આહ્વાન કર્યું છે, જ્યારે કેટલાકે આ પરિસ્થિતિને આંતરરાષ્ટ્રીય રાજનીતિના તણાવનું પરિણામ ગણાવ્યું છે. વોશિંગ્ટન સ્થિત એક મહત્વપૂર્ણ સૈનિક મથક ઉપર અજાણ્યા અને રહસ્યમય ડ્રોન દેખાતા સુરક્ષા એજન્સીઓ ચેતી ઉઠી છે.
આ મથક ખાસ મહત્વનું છે કારણ કે અહીં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને રક્ષા પ્રધાન પીટ હેગસેથ નિવાસ કરે છે. અહેવાલો મુજબ, આ ડ્રોન ક્યાંથી આવ્યા તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી, જેના કારણે તપાસ વધુ ગંભીર બની છે. આ ઘટનાના પગલે અમેરિકી સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઉચ્ચ સ્તરે ચર્ચા ચાલી રહી છે કે જરૂરી હોય તો આ બંને ઉચ્ચ અધિકારીઓને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે..
આ સમગ્ર ઘટનાક્રમ એ સમયે સામે આવ્યો છે જ્યારે અમેરિકા અને ઈઝરાઇલ દ્વારા ઈરાન સામે સૈનિક કાર્યવાહી ચાલુ છે. આ કારણે ઈરાન અથવા તેના સમર્થિત જૂથો દ્વારા પ્રતિકારાત્મક હુમલાની શક્યતા વધી ગઈ છે. સુરક્ષા તંત્ર હાલ તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યું છે.
હાલમાં અમેરિકી અધિકારીઓ દ્વારા પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે. જોકે, સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન દ્વારા ચોક્કસ ખતરો જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ અંદરખાને સુરક્ષા સજ્જતા વધારવામાં આવી છે.