બે હજારથી વધુ લોકોનાં મોત થયા: ઈરાનનો દાવો
ઈરાનનો દાવો છે કે નુકસાન ખૂબ મોટું છે. તેમના કહેવા મુજબ અમેરિકા-ઈઝરાયેલના હુમલામાં લગભગ 90,000 નાગરિક સ્થળો પ્રભાવિત થયા છે અને 2,000 થી વધુ લોકોના મોત થયા છે. આ સંઘર્ષ જે ઈરાનથી શરૂ થયો હતો, તે હવે લેબનોન સુધી ફેલાઈ ગયો છે.
બીજી તરફ ઈરાને પણ વળતા હુમલા કર્યા છે. ઈઝરાયેલમાં નાગરિક સુવિધાઓ પરના હુમલામાં ઓછામાં ઓછા 19 લોકો માર્યા ગયા છે અને હજારો ઘાયલ થયા છે. અમેરિકી સૈન્ય મથકો ધરાવતાં ગલ્ફ દેશો પર પણ હુમલા થયા છે, જ્યાં મૃત્યુઆંક 25 ને વટાવી ગયો છે.
યુદ્ધનાં પહેલાં જ દિવસે એટલે કે 28 ફેબ્રુઆરીએ એક ભયાનક ઘટના બની. દક્ષિણ ઈરાનના મિનાબમાં ’શજરે તૈયબા’ નામની ક્ધયા પ્રાથમિક શાળા પર મિસાઈલ પડી, જેમાં 170 લોકોના મોત થયા, જેમાંથી મોટાભાગની 7 થી 12 વર્ષની બાળકીઓ હતી.
જોકે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ હુમલામાં અમેરિકાનો હાથ હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયા અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવા માનવાધિકાર સંગઠનોના રિપોર્ટ મુજબ, આ હુમલો ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હોય તેવું લાગે છે અને તેમાં અમેરિકા નિર્મિત ’ટોમાહોક’ મિસાઇલનો ઉપયોગ થયો હોવાની શક્યતા છે.
તે જ દિવસે, લામર્દમાં એક મૈન્ય મથક પાસે નવી અમેરિકન મિસાઈલથી હુમલો થયો જેમાં એક પ્રાથમિક શાળા અને સ્પોર્ટ્સ હોલ લપેટમાં આવ્યા. ન્યૂયોર્ક ટાઈમ્સના વિશ્લેષણ મુજબ આમાં 21 લોકોના મોત થયા છે. અન્ય એક ઘટનામાં, દક્ષિણ ઈરાનમાં રિવોલ્યુશનરી ગાર્ડ્સના બેઝને નિશાન બનાવીને છોડાયેલી મિસાઈલ નજીકની શાળા પર પડી, જેમાં લગભગ 200 લોકો માર્યા ગયા, જેમાં મોટાભાગના બાળકો હતા. 9 માર્ચે તેહરાનના રેસાલત જિલ્લામાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં એક બહુમાળી રહેણાંક મકાન ધરાશાયી થયું, જેમાં 50 લોકોના મોત થયા. 11 માર્ચે તેહરાનમાં બેંક સેપાહની શાખા પર હુમલો થયો, જેને ઈરાને યુદ્ધનો ’ગેરકાયદેસર અને અસામાન્ય’ પ્રકાર ગણાવ્યો હતો.
તેહરાનનું મુખ્ય એરપોર્ટ અને તેહરાન-કરજને જોડતો હાઈવે બ્રિજ પણ નિશાન બન્યા છે. શિક્ષણ સંસ્થાઓ જેવી કે ઈરાન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ઈસ્ફાહાનની યુનિવર્સિટીઓ પર પણ હુમલા થયા છે. ઈઝરાયેલનું કહેવું છે કે આ સ્થળોનો ઉપયોગ સૈન્ય હેતુ માટે કરવામાં આવતો હતો. હોસ્પિટલોને પણ નુકસાન થયું છે, જેમાં તેહરાનની એક માનસિક રોગની હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે.