Jai Hind

હોર્મુઝ સ્ટ્રેટ માટે યુરોપિયન દેશોનો ‘સિક્રેટ પ્લાન:’ ટ્રમ્પનો ખેલ ઉંધો પાડી દેવાનો મૂડ

સ્ટ્રેટ ઑફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી તણાવભરી સ્થિતિ વચ્ચે હવે યુરોપના નવા પ્લાનથી અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો લાગી શકે છે. યુરોપના દેશો હોર્મુઝની સુરક્ષા માટે એક નવું જૂથ બનાવવાની યોજના પર ગુપ્ત રીતે કામ કરી રહ્યા છે અને ટ્રમ્પને તેનાથી દૂર રાખવાનો જ પ્લાન છે.
રિપોર્ટ્સ અનુસાર, આ યોજનામાં અમેરિકાને જાણી જોઈને સામેલ કરવામાં આવી રહ્યું નથી. આ પગલાને અમેરિકા અને પશ્ચિમી દેશો વચ્ચે હાલના દિવસોમાં વધેલા અંતરનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, આ યોજનાથી જ્યાં એક તરફ અમેરિકાને દૂર રાખવાની વાત કહેવામાં આવી છે, ત્યાં જ સંકેત મળ્યા છે કે તેને લાગુ કરવા માટે ઈરાન અને ઓમાન જેવા પ્રાદેશિક દેશો સાથે તાલમેલ સાધવો પણ જરૂરી માનવામાં આવી રહ્યો છે.
ફ્રાન્સના રાષ્ટ્ર પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને હાલમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ મિશનમાં તે દેશો સામેલ નહીં થાય જે આ સંઘર્ષનો હિસ્સો રહ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું છે કે આ એક આંતરરાષ્ટ્રીય પ્રયાસ હશે, જે યુદ્ધમાં સામેલ પક્ષો સાથે મળીને કરી શકાય નહીં. જર્મનીએ પણ તેમાં રસ દાખવ્યો છે. હવે આ યોજનાને અમલમાં મૂકવા માટે આ અઠવાડિયે મેક્રોન અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર અનેક દેશો સાથે એક બેઠક પણ કરી શકે છે, જેમાં આ યોજના પર ચર્ચા થશે. આ બેઠકમાં અમેરિકાને સામેલ કરવામાં આવશે નહીં, જ્યારે ચીન અને ભારતને આમંત્રણ મોકલવામાં આવશે.
હોર્મુઝને લઈને યુરોપના આ પ્રસ્તાવિત ’ઇચ્છુક દેશોના જૂથ’નો હેતુ એ છે કે જ્યારે આ વિસ્તારમાં યુદ્ધ ખતમ થઈ જાય, ત્યારે દરિયાઈ વેપાર પહેલાની જેમ જ થઈ શકે. વિયોન(ઠઈંઘગ)ના એક રિપોર્ટ મુજબ, આ યોજનાના ત્રણ મુખ્ય ઉદ્દેશ્યો છે. જેમાં પહેલો આ રસ્તામાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવા. બીજો સમુદ્રમાં બિછાવવામાં આવેલી સુરંગોને સુરક્ષિત રીતે નિષ્ક્રિય કરવી, અને ત્રીજો કે યુદ્ધ પછી પણ જહાજોની સુરક્ષા માટે દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવી. જેમાં સમુદ્રી સુરંગોને હટાવવી એ સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે.