ઈરાન યુદ્ધના કારણે પેટ્રોલપંપ પેદાશોની સર્જાયેલી અનિશ્ર્ચિત પરીસ્થિતિમાં સરકારે એક તરફ ઘરેલું ઉત્પાદન વધાર્યુ છે તો બીજી તરફ સરકારે પીએનજીનો ઉપયોગ વધારીને એલપીજીનો બોજો ઘટાડવા પણ પ્રયાસ કર્યો પરંતુ લોકોને હવે સીએનજીનો ઉપયોગ વધે અને પેટ્રોલ-ડિઝલ વાહનોનો ઉપયોગ ઘટે તે માટે સીએનજીને જીએસટીમાં સમાવવા અને આ ઈંધણ પરની એકસાઈઝ ઘટાડવા માટે સરકારને ભલામણ કરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાની કમીટીએ જણાવ્યું કે કેપ્ટીવ પાવર પ્લાંટ માટે એલએનજી આયાતને પણ બેઝીક કસ્ટમ ડયુટીમાંથી મુક્તિ આપવી જોઈએ. આ ઉપરાંત નેચરલ ગેસને પુરી રીતે જીએસટી મુક્તિની ભલામણ થઈ છે. સરકાર દ્વારા નિયુક્ત કમીટીએ જ જણાવ્યું હતું કે આ પગલાથી વાહન ખરીદનારાઓ અને ઉદ્યોગોને સીએનજી તરફ જવામાં પ્રોત્સાહન મળશે. સીએનજીને જીએસટીમાં દાખલ કરીને પુરી રીતે ઈનપુટ ટેકસ ક્રેડીટનો લાભ આપવાની પણ ભલામણ કરી છે. આ કારણે વિજ પેટ્રોકેમીકલ ક્ષેત્રને પણ સીએનજીનો ઉપયોગ વધારવા માટે પ્રોત્સાહન મળશે. કેપ્ટીવ પાવર પ્લાંટને પુરી રીતે બેઝીક કસ્ટમ ડયુટી તથા વધારાના સરચાર્જમાં મુક્તિની ભલામણ થઈ છે.