અમેરિકા-ઇરાન વચ્ચે જંગ જામવાના ભણકારાથી તેજી
મધ્ય પૂર્વમાં અમેરિકા-ઇરાન વચ્ચે શાંતિ મંત્રણામાં ફરી સંકટના વાદળો ઘેરાતા અને નવેસરથી જંગ છેડાવાના એંધાણને પગલે ક્રૂડતેલ ફરી સળગી ઉઠ્યું હતું. ગત સપ્તાહમાં 90 ડોલરની નીચે ઉતરી ગયેલા ક્રૂડના ભાવ આજે ફરી 100 ડોલરના માર્ગે દોડ્યા હતા.
અમેરિકા-ઇરાન વચ્ચેના યુધ્ધની સમાપ્તિના સંજોગો ધૂંધળા બનતા ઘટનાક્રમોને પગલે માર્કેટમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા હતા. હોર્મુઝની નાકાબંધી જારી રાખીને અમેરિકાએ ઇરાનનું જહાજ જપ્ત કરતાં અને વળતા જવાબમાં ઇરાને વાટાઘાટોને બ્રેક મારી દેતા ફરી તનાવ અને યુધ્ધની સ્થિતિ સર્જાવાના ભણકારા વાગતા ક્રૂડતેલમાં સડસડાટ તેજી થઇ ગઇ હતી. પ્રારંભિક કામકાજમાં જ છ ટકાનો ઉછાળો સુચવવા લાગ્યું હતું. આજે સવારે બ્રેન્ટ ક્રૂડ ઉંચકાઇને 95.42 ડોલર સાંપડ્યું હતું જે ઉંચામાં 96.49 ડોલર થયું હતું. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 88.93 ડોલર હતું તે ઉંચામાં 90.38 ડોલર થયું હતું. નિષ્ણાંતોના કહેવા પ્રમાણે શાંતિ મંત્રણા આગળ ન વધે અને યુધ્ધ થવાના સંજોગોમાં ફરી સપ્લાય ચેઇન ખોરવાઇ શકે છે. આ વખતે તો ઇરાને સજ્જડ પ્રતિબંધ મૂક્યો છે અને અમેરિકાની નાકાબંધી છે એટલે ગત વખત કરતાં પણ પુરવઠાને ગંભીર અસર થઇ શકે છે. જાણકારોએ કહ્યું કે શાંતિના સંજોગોમાં ક્રૂડ 85 થી 90 ડોલરની રેન્જમાં રહે તેમ છે જ્યારે યુધ્ધ વકરે તો 110થી પણ આગળ વધીને 150 ડોલર થઇ શકે છે. શાંતિ થાય તો પણ 70-75 ડોલરની ગાઉની રેન્જમાં આવવા મુશ્કેલ છે જે લાંબા સમય સુધી 80 થી 100 ડોલરની રેન્જમાં રહી શકે છે.