વર્લ્ડ બ્ોંન્કનો ચોંકાવનારો રિપોર્ટ
નવી દિલ્હી: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. મે-જૂન મહિનામાં નોંધાતું તાપમાન એપ્રિલ મહિનામાં જ નોંધાઈ રહ્યું છે. જેમ જેમ ગરમી વધી રહી છે તેમ તેમ લોકોની પરેશાની પણ વધી રહી છે. આ દરમિયાન વર્લ્ડ બેંકનો એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં જણાવાયું છે કે, વર્ષ 2050 સુધી ખતરનાક ગરમીની ઝપેટમાં આવનારા શહેરી ગરીબોની સંખ્યા 700 ટકા સુધી વધી શકે છે. જેની સૌથી વધારે અસર એશિયા અને આફ્રિકા પર પડશે.
રિપોર્ટ પ્રમાણે, તાપમાનમાં થઈ રહેલો ઝડપી વધારો શહેરો માટે સૌથી વધારે જીવલેણ અને આર્થિક રીતે સૌથી વધુ નુકસાન પહોંચાડનારા ખતરામાંથી એક બની શકે છે. ગરમી એક વૈશ્વિક પડકાર છે. ગ્લોબલ સાઉથના શહેરોમાં તેનો સૌથી વધારે ખતરો છે. ગરમ અને રેતાળ પ્રદેશમાં તેની સૌથી વધુ અસર પડવાની આશંકા છે.
રિપોર્ટ મુજબ, 2050 સુધી સૌથી વધારે ગરમી પડી રહી હોય તેવા શહેરોમાં ગરીબોની સંખ્યામાં વૈશ્વિક સ્તરે 700 ટકા ચોંકાવનારો વધારો થવાનો અંદાજ છે. જેની સૌથી વધુ અસર પશ્ચિમ આફ્રિકા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં થવાની આશા છે.રિપોર્ટમાં ભીષણ ગરમીને સાઈલેન્ટ કિલર ગણાવવામાં આવી છે.