Jai Hind

ઈરાન પોતે જ ‘સુપરપાવર’: ભારત સાથેના ઐતિહાસિક સંબંધો પર ગર્વ

ઈરાનના પ્રવકતાએ ભારતના ભરપુર વખાણ કર્યા

પશ્ચિમ એશિયામાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે ઈરાને આક્રમક વલણ અપનાવતા પોતાને એક ’સુપરપાવર’ તરીકે જાહેર કર્યું છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ અમેરિકાના વર્ચસ્વને ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. ઈરાન પોતે એક મહાસત્તા છે અને આવી સ્થિતિમાં અમેરિકાની શરતો સામે નમવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. બઘાઈએ દલીલ કરી હતી કે જે દેશ પોતાની સાર્વભૌમત્વ અને સન્માનની રક્ષા માટે બે પરમાણુ સંપન્ન દેશો(અમેરિકા અને ઈઝરાયલ) સામે અડીખમ ઊભો રહી શકે, તે પોતે જ એક સુપરપાવર હોવાનો પુરાવો છે.
આ ચર્ચા દરમિયાન ઈરાની પ્રવક્તાએ ભારત સાથેના મજબૂત થતા સંબંધો વિશે વિશેષ વાત કરી હતી. તેમણે ભારતને ઈરાનનો અત્યંત નજીકનો અને ખાસ મિત્ર ગણાવ્યો હતો. બઘાઈએ કહ્યું કે ભારત અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો પર તેમને ગૌરવ છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા ભારતીય જહાજો પર કોઈ પણ પ્રકારનો ટેક્સ કે શુલ્ક વસૂલવાની યોજનાને તેમણે નકારી કાઢી હતી. ભારત અને ઈરાન બંને ગુટનિરપેક્ષ આંદોલનનો ભાગ રહ્યા છે અને બંને દેશોની સરકારો પરસ્પર સંબંધોને વધુ ઊંચાઈ પર લઈ જવા માટે કટિબદ્ધ છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાને લઈને પૂછવામાં આવેલા પ્રશ્ન પર બઘાઈએ જણાવ્યું કે હાલ વાતચીત ચાલુ છે, પરંતુ બંને પક્ષો વચ્ચે વિશ્વાસનો ભારે અભાવ જોવા મળી રહ્યો છે.
ઈરાને અમેરિકાને 40 મુદ્દાનો એક શાંતિ પ્રસ્તાવ મોકલ્યો હતો, જેના જવાબમાં અમેરિકન પ્રમુખ વતી નવો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. ઈરાન અત્યારે આ પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા પોતાનો જવાબ સોંપશે.