પીસ ડીલથી ક્યા સેક્ટર્સને ફાયદો: ક્યાં બનશે રોકાણની તકો?
મુંબઈ : અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી ઊર્જા ખર્ચને ઓછો કરી શકે છે, સપ્લાય ચેઈન પરનું દબાણ ઘટાડી શકે છે અને કેટલાય ક્ષેત્રોમાં રોકાણની નવી તકો ઊભી કરી શકે છે. જો આ સમજૂતી સફળ રહેશે તો ક્રૂડ ઓઈલ અને ગેસનાં ભાવમાં ઘટાડો થઈ શકે છે, જેનાથી ઊર્જા આયાત પર નિર્ભર દેશો અને કંપનીઓને મોટી રાહત મળશે. જો આ ડીલ સફળ થાય તો હોર્મુઝમાંથી થતો વ્યાપારી પ્રવાહ સંપૂર્ણપણે સામાન્ય થવામાં 3-4 મહિનાનો સમય લાગી શકે છે. સપ્લાય ચેઈન સ્થિર થવાથી મેન્યુફેક્ચરિંગ, લોજિસ્ટિક્સ, ઓટોમોબાઈલ અને ક્ધઝ્યુમર ગુડ્સ જેવા ક્ષેત્રોને સીધો લાભ મળશે. ખાસ કરીને એવી કંપનીઓ લાભાન્વિત થશે જેમની પડતરનો મોટો હિસ્સો ઊર્જા અને પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) સાથે જોડાયેલો છે.
કાચા માલ અને લોજિસ્ટિક્સનો ખર્ચ ઘટવાથી વાહનોની કિંમતો વધારવાની જરૂર નહીં પડે અને વેચાણની ગતિ જળવાઈ રહેશે. ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મારુતિ સુઝુકી અને આઈશરને નિકાસમાં સુગમતાનો લાભ મળશે. સીએટ અને ભારત ફોર્જ જેવી ઓટો એન્સિલરી કંપનીઓનો ઇનપુટ કોસ્ટ પણ ઘટશે.
સિરેમિક ઉદ્યોગ, ખાસ કરીને ગુજરાતના મોરબી ક્લસ્ટરને મોટી રાહત મળી શકે છે. એલએનજી અને પ્રોપેનની સપ્લાય સામાન્ય થવાથી તથા માલસામાનના ભાડામાં ઘટાડો થવાથી ઉત્પાદન ખર્ચ પરનું દબાણ ઘટશે. આનાથી કજારિયા સિરેમિક્સ, સોમાની સિરેમિક્સ, એશિયન ગ્રેનિટો અને સેરા સેનિટરીવેર જેવી કંપનીઓને સૌથી વધુ ફાયદો થવાની આશા છે. આરતી ઈન્ડસ્ટ્રીઝ, એચજીઆઈ, પીસીબીએલ અને નોસિલ જેવા શેરો પર રોકાણકારોની નજર રહેશે, કારણ કે આ કંપનીઓને કાચા માલની પડતર ઘટવાથી અને માંગ વધવાથી મોટો ફાયદો મળી શકે છે. નિષ્ણાતોના મતે, બાલાજી એમાઈન્સ અને હિમાદ્રી સ્પેશિયાલિટીના શેરોમાં ભારે તેજી આવી ચૂકી છે.
ક્રૂડ ઓઈલ સાથે જોડાયેલા ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો થવાથી ગારમેન્ટ્સ, ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ્સ, ફૂટવેર અને ક્ધઝયુમર વેર જેવી કંપનીઓનો ઇનપુટ કોસ્ટ ઘટી શકે છે. પેકેજિંગ અને પરિવહન સસ્તું થવાના કારણે તેમના માર્જિનમાં સુધારો થવાની પ્રબળ સંભાવના છે.
ક્રૂડ ઓઈલ અને એટીએફ (એવિએશન ટર્બાઇન ફ્યુઅલ) ના ભાવમાં ઘટાડો થવાથી એરલાઈન્સનો ઈંધણ ખર્ચ ઘટી શકે છે, જે તેમના કુલ ઓપરેટિંગ ખર્ચનો સૌથી મોટો હિસ્સો હોય છે. રૂપિયા પરનું દબાણ ઓછું થવાથી એરલાઈન્સના વિમાન લીઝ અને મેન્ટેનન્સ સાથે જોડાયેલા ખર્ચમાં પણ ઘટાડો થઈ શકે છે.
એક્સપોર્ટ આધારિત શેરોની સાથે ઓઈલ-ગેસ કંપનીઓ, હોટેલ, ફર્ટિલાઈઝર કંપનીઓની સાથે એફએમસીજી, કેપિટલ ગુડ્સ અને એન્જિનિયરિંગ કંપનીઓ ઉપરાંત ક્ધઝ્યુમર ડ્યુરેબલ સ્ટોક્સને પણ મોટો ફાયદો થશે.
