સ્લોવાકિયાના રાષ્ટ્રપતિને ‘થેવા આર્ટ’ના કફલિંક્સ ભેટ આપ્યાં બાદ આ કળા આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી; ‘વોકલ ફોર લોકલ’ અભિયાનથી પ્રોત્સાહિત થઈ કલાકારે વડાપ્રધાન માટે ખાસ ભેટ તૈયાર કરી
જયપુર : રાજસ્થાનની વિશ્વપ્રસિદ્ધ ’થેવા કળા’ આજે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય સાંસ્કૃતિક વારસાની અનોખી ઓળખ બની ચૂકી છે. આ પરંપરાગત અને દુર્લભ શિલ્પકળાને જીવંત રાખવામાં અને નવી પેઢી સુધી પહોંચાડવામાં મધ્યપ્રદેશનાં મંદસૌરના રહેવાસી શિલ્પકાર રાકેશ સોની મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે. છેલ્લા 25 વર્ષથી આ કળા સાથે જોડાયેલા રાકેશ સોનીએ રાજસ્થાનનાં પ્રતાપગઢમાં રહેતાં પોતાનાં મામા પાસેથી આ કૌશલ્ય શીખ્યું હતું. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશ પ્રવાસ દરમિયાન આ કળાથી બનેલી વસ્તુઓ ભેટમાં આપવામાં આવ્યાં બાદ તે ફરી એકવાર દેશભરમાં ભારે ચર્ચામાં આવી છે, જેનાથી પ્રેરિત થઈને રાકેશ સોનીએ પીએમ મોદી માટે એક વિશેષ ’થેવા આર્ટ બ્રોચ’ તૈયાર કર્યું છે.
થેવા કળા એ મુખ્યત્વે રાજસ્થાનનાં પ્રતાપગઢની આશરે 400 વર્ષ જૂની પરંપરાગત હસ્તકળા છે, જેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં રંગીન કાચની સપાટી પર 23 કેરેટ સોનાની અત્યંત ઝીણી અને મનમોહક નક્કાશી કરવામાં આવે છે. સોનાની જટિલ ડિઝાઇન અને રંગીન કાચનું અદભુત સંયોજન આ શિલ્પને દુનિયાની અન્ય હસ્તકળાથી તદ્દન અલગ પાડે છે. આ કળામાં અત્યંત ધૈર્ય, એકાગ્રતા અને ચોકસાઈની જરૂર પડે છે. શિલ્પકારના જણાવ્યાં મુજબ, સોનાની ઝીણી ડિઝાઇનને કાચ પર ઉકેરવાનું સંપૂર્ણ કામ હાથથી જ થાય છે અને એક નાનકડી ભૂલ પણ આખી કલાકૃતિને બગાડી શકે છે, તેથી એક આખો સેટ તૈયાર કરવામાં અંદાજે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે. આ લુપ્ત થતી કળાને વૈશ્વિક સ્તરે ત્યારે મોટી ઓળખ મળી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સ્લોવાકિયા યાત્રા દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનીને થેવા કળામાંથી નિર્મિત વિશેષ કફલિંક્સ ભેટમાં આપ્યાં હતાં. પીએમ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ અભિયાનના કારણે દેશભરનાં સ્થાનિક કલાકારોમાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો છે. રાકેશ સોનીની ઈચ્છા છે કે તેમના દ્વારા વર્ષોના અનુભવ અને ભારે મહેનતથી તૈયાર કરાયેલું આ વિશેષ બ્રોચ વડાપ્રધાન સુધી પહોંચે. કલાકારોનું માનવું છે કે આવી પરંપરાગત હસ્તકળાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ મળવાથી કલાકારોને સન્માનની સાથે રોજગારીની નવી તકો પણ મળી રહી છે.