Jai Hind

અમેરિકામાં ભીષણ હીટવેવ: ૪ જુલાઈની ઉજવણી અને ફિફા વર્લ્ડ કપ મેચો પર ગરમીનું સંકટ

અમેરિકામાં 4 જુલાઈના સ્વતંત્રતા દિવસનાં લાંબા વીકેન્ડ દરમિયાન અતિશય ગરમી અને હીટવેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દેશનાં ઉત્તર-પૂર્વ અને મધ્ય ભાગોમાં તાપમાન અને અસહ્ય ભેજને કારણે કરોડો લોકો પરેશાન છે. ન્યૂયોર્કના પ્રખ્યાત સેન્ટ્રલ પાર્કમાં તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જે વર્ષ 2012 પછી પહેલીવાર બન્યું છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે હવામાં ભેજ વધારે હોવાથી વાસ્તવિક તાપમાન કરતાં પણ વધુ ગરમી અનુભવાઈ રહી છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ ભીષણ ગરમીનાં કારણે અમેરિકાનાં અનેક શહેરોમાં 4 જુલાઈની પરંપરાગત ઉજવણી, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અથવા તો તેને રદ કરી દેવાયાં છે. બોસ્ટન અને ફિલાડેલ્ફિયા જેવા મોટા શહેરોમાં લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરેડના રૂટ ટૂંકા કરાયાં છે અને કેટલાક જાહેર કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત, અમેરિકામાં યોજાઈ રહેલી ફિફા વર્લ્ડ કપની મેચો જોવા આવતાં લાખો ફૂટબોલ ચાહકો અને સ્ટેડિયમમાં એકત્રિત થતી ભીડ માટે પણ આ ગરમી ભારે ચિંતાનો વિષય બની છે.
ગરમીનાં કારણે રેલવે પાટાઓ પર અસર થતાં કેટલીક ટ્રેનો પણ રદ કે મોડી ચાલી રહી છે.
હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં અનુસાર, આકાશમાં સર્જાયેલી હાઈ-પ્રેશર સિસ્ટમ હિટ ડોમના કારણે ગરમ હવા એક જ જગ્યાએ અટવાઈ ગઈ છે, જેનાં લીધે તાપમાન રોજબરોજ વધી રહ્યું છે. આરોગ્ય નિષ્ણાતોએ લોકોને હીટસ્ટ્રોક, ચક્કર આવવા અને અતિશય થાક લાગવા જેવી બીમારીઓથી બચવા માટે ખાસ સાવચેતી રાખવા જણાવ્યું છે.