ખરાબ હવામાન અને એન્જિન ફેઈલ થતા બન્યો બનાવ; 12 ખલાસીઓને બચાવી લેવાયા
ઓમાનના દરિયામાં ખરાબ હવામાનના કારણે એન્જિન ફેઈલ થ, જતા ઓખાનું માલવાહક જહાજ ડુબ્યું છે. જેમાં બે ખલાસીના મોત નીપજયા છે. જયારે 12 ખલાસીને બચાવી લેવાયા છે. ઓમાનના દરિયામાં સલાયાનું એક માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ દુર્ઘટનામાં જહાજ પર સવાર 14 ખલાસીઓમાંથી બેના મોત થયા છે, જ્યારે 12 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા છે. જેમા સલાયાના ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન ઇશાક ભાયા આ બંને યુવાનોના મૃત્યુ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સલાયાનું આ જહાજ ’મહેબૂબ એ બુખારી’ (રજીસ્ટ્રેશન નંબર ઇઉઈં 1415) હતું. તે 3 જુલાઈએ દુબઈથી જનરલ કાર્ગો ભરીને જીબુટી જવા રવાના થયું હતું. ઓમાનના દરિયામાં ખરાબ હવામાન અને બંને મુખ્ય એન્જિન ફેઈલ થવાને કારણે જહાજ ડૂબવા લાગ્યું હતું. તેને બચાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા, જેથી ટંડેલે તમામ ક્રૂ મેમ્બરોને જીવ બચાવવા દરિયામાં કૂદવાનો આદેશ આપ્યો હતો.અતિશય ખરાબ હવામાનને કારણે 14 ખલાસીઓમાંથી બેના મૃત્યુ થયા હતા. બાકીના 12 ખલાસીઓને ઓમાન નેવી તેમજ નજીકથી પસાર થઈ રહેલા ભારતીય જહાજો “અલ હાજી હસન” અને “સફિના અલ નૂરે ઇલાહી” દ્વારા સંયુક્ત રીતે બચાવવામાં આવ્યા હતા.મૃતદેહો અને બચાવવામાં આવેલા 12 ખલાસીઓને ઓમાનના દુકમ નજીક ફિશિંગ જેટી પર લાવવામાં આવ્યા હતા. આ સમાચાર સલાયા પહોંચતા વહાણવટી ભાઈઓમાં શોકની લાગણી પ્રસરી હતી.સલાયાના આદમ ભાયા (સેક્રેટરી, ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિયેશન) દ્વારા સંબંધિત તંત્ર અને ફોરેન ડિપાર્ટમેન્ટને ઈમેલ દ્વારા મૃતદેહો અને જીવિત ખલાસીઓને પરત લાવવા તેમજ જરૂરી કાગળો પૂરા કરવા અને તમામ સહાય પૂરી પાડવા જાણ કરવામાં આવી છે.